ચાર સીટર વિમાનથી આંતરજિલ્લા હવાઈ કનેક્ટિવિટી વધશે : ઉદ્યોગકારો અને પ્રવાસીઓને મોટો લાભ
મુંદ્રા :
કચ્છના મુંદ્રા એરપોર્ટ પરથી હવાઈ કનેક્ટિવિટીમાં વધુ એક મહત્વનો ઉમેરો થયો છે. મુંદ્રાથી રાજકોટ, જામનગર અને કેન્દ્રશાસિત પ્રદેશ દીવ વચ્ચે ચાર સીટર નાના વિમાનની એર ટેક્સી સેવા શરૂ કરવામાં આવી છે. આ સેવા શરૂ થતાં સૌરાષ્ટ્ર અને કચ્છ વચ્ચેની મુસાફરી વધુ ઝડપી બનવાની સાથે વેપાર-ઉદ્યોગ ક્ષેત્રને પણ તેનો લાભ મળશે.
મુંદ્રા-અમદાવાદની મીની ફ્લાઈટનું રૂટ બદલાયું
મુંદ્રાથી અમદાવાદ વચ્ચે લાંબા સમયથી ચાર સીટર મીની વિમાનની સેવા ચાલતી હતી. હવે આ સેવા બંધ કરીને વિમાનને મુંદ્રા-રાજકોટ, મુંદ્રા-જામનગર અને મુંદ્રા-દીવ રૂટ પર દોડાવવામાં આવશે.
એર ટેક્સી કંપનીના જણાવ્યા અનુસાર આ સેવા નિર્ધારિત દિવસોમાં નિયમિત રીતે ઓપરેટ થશે. હાલમાં ચાર સીટર વિમાનમાં બે મુસાફરોને લઈ જવાની વ્યવસ્થા રાખવામાં આવી છે.
રાજકોટ-મુંદ્રા ભાડું રૂ.500
રાજકોટ માટેની એર ટેક્સી સેવાનું ઓનલાઈન બુકિંગ શરૂ થઈ ગયું છે. આ સેવા સપ્તાહમાં ચાર દિવસ ઓપરેટ થશે. રાજકોટ-મુંદ્રા વચ્ચે પ્રતિ મુસાફર એરફેર રૂ.500 રાખવામાં આવ્યું છે.
શુક્રવાર-શનિવારે રાજકોટ અને દીવ કનેક્ટિવિટી
શુક્રવાર અને શનિવારે મુંદ્રાથી સવારે 8:35 કલાકે ટેકઓફ થઈ 9:31 કલાકે રાજકોટ પહોંચશે. રાજકોટથી સવારે 9:45 કલાકે ઉડાન ભરી 10:25 કલાકે મુંદ્રા પહોંચશે.
ત્યારબાદ મુંદ્રાથી સવારે 10:46 કલાકે ટેકઓફ થઈ 12:15 કલાકે દીવ પહોંચશે. દીવથી 12:35 કલાકે ઉડાન ભરી બપોરે 2:04 કલાકે મુંદ્રા પહોંચશે.
બાદમાં મુંદ્રાથી બપોરે 2:24 કલાકે ટેકઓફ થઈ 3:10 કલાકે રાજકોટ અને રાજકોટથી 3:30 કલાકે ઉડાન ભરી 4:15 કલાકે મુંદ્રા પહોંચશે.
જામનગર સાથે પણ હવાઈ જોડાણ
સોમવાર અને મંગળવારે મુંદ્રાથી સવારે 8:35 કલાકે ઉડાન ભરી 8:51 કલાકે જામનગર પહોંચશે. જામનગરથી 9:11 કલાકે ટેકઓફ થઈ 9:25 કલાકે મુંદ્રા પહોંચશે.
ત્યારબાદ મુંદ્રાથી 9:46 કલાકે ટેકઓફ થઈ 10:32 કલાકે રાજકોટ પહોંચશે. મુંદ્રાથી 11:58 કલાકે ઉડાન ભરી 1:25 કલાકે દીવ પહોંચશે. દીવથી 1:46 કલાકે ટેકઓફ થઈ 3:55 કલાકે મુંદ્રા પહોંચશે.
આ જ રૂટમાં મુંદ્રા-જામનગર વચ્ચે સાંજના સમયે પણ સેવા ઉપલબ્ધ રહેશે.
મોરબીના સિરામિક ઉદ્યોગકારોને સમયની બચત
મુંદ્રા સાથે રાજકોટ અને જામનગરનું સીધું હવાઈ જોડાણ શરૂ થતાં ઉદ્યોગકારો, વેપારીઓ અને બિઝનેસમેન માટે મુસાફરીનો સમય ઘટશે. ખાસ કરીને મોરબીના સિરામિક ઉદ્યોગકારોને મુંદ્રા પોર્ટ તથા આસપાસના ઔદ્યોગિક વિસ્તારો સુધી પહોંચવામાં આ સેવા ઉપયોગી સાબિત થઈ શકે છે.
બીજી તરફ દીવ જવા માંગતા પ્રવાસીઓને પણ ઝડપી હવાઈ કનેક્ટિવિટીનો લાભ મળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં આંતરજિલ્લા હવાઈ સેવામાં વેન્ચુરા એર કનેક્ટનું રાજકોટ-સુરત વચ્ચે 9 સીટર વિમાનનું દૈનિક ઉડ્ડયન ચાલી રહ્યું છે. હવે ચાર સીટર એર ટેક્સી દ્વારા રાજકોટ-મુંદ્રા કનેક્ટિવિટી શરૂ થતાં સૌરાષ્ટ્ર અને કચ્છ વચ્ચેની હવાઈ સેવા વધુ વિસ્તરી છે.
આ નવી એર ટેક્સી સેવા વેપાર-ઉદ્યોગ ઉપરાંત પ્રવાસન ક્ષેત્ર માટે પણ મહત્વપૂર્ણ બની શકે છે. ખાસ કરીને મુંદ્રા, રાજકોટ, જામનગર અને દીવ વચ્ચે ઝડપી અવરજવર ઈચ્છતા મુસાફરો માટે નાના વિમાનની આ સેવા સમય બચાવવાનો નવો વિકલ્પ પૂરો પાડશે.










