સોના-ચાંદીના ભાવમાં ફરી જોરદાર ઉછાળો

રાજકોટમાં સોનું રૂ.1600 અને ચાંદી રૂ.4900 મોંઘી; તહેવારોની સિઝન વચ્ચે ભાવોની ઉથલપાથલથી ગ્રાહકો-રોકાણકારોમાં અસમંજસ

રાજકોટ: સોના-ચાંદીના ભાવમાં છેલ્લા કેટલાક દિવસથી જોવા મળી રહેલી તેજી-મંદીની ઉથલપાથલ વચ્ચે આજે ફરી જોરદાર તેજી નોંધાઈ હતી. રાજકોટના બજારમાં હાજર સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ રૂ.1600નો અને ચાંદીના ભાવમાં પ્રતિ કિલો રૂ.4900નો વધારો થયો હતો.

રાજકોટમાં આજે હાજર સોનાનો ભાવ રૂ.1600 વધીને પ્રતિ 10 ગ્રામ રૂ.1,56,700 પર પહોંચ્યો હતો. જ્યારે કોમોડિટી વાયદામાં સોનાનો ભાવ રૂ.1100ના વધારા સાથે રૂ.1,51,900 રહ્યો હતો. વિશ્વ બજારમાં પણ સોનાના ભાવમાં ફરી તેજી જોવા મળી હતી અને ભાવ 4300 ડોલરની સપાટી વટાવી 4331 ડોલર સુધી પહોંચ્યો હતો.

બીજી તરફ હાજર ચાંદીમાં રૂ.4900નો ઉછાળો નોંધાતા ભાવ પ્રતિ કિલો રૂ.2,38,100 થયો હતો. જ્યારે વાયદા બજારમાં ચાંદી રૂ.3100 વધીને રૂ.2,35,250ના સ્તરે પહોંચી હતી.

વેપારીઓના જણાવ્યા મુજબ તહેવારોની સિઝનના મંડાણ થઈ રહ્યા છે ત્યારે સોના-ચાંદીના ભાવમાં થઈ રહેલી મોટી વધઘટ ગ્રાહકો તેમજ રોકાણકારોમાં કચવાટ ઊભો કરી રહી છે. અગાઉ સોના-ચાંદી પરની આયાત જકાતમાં સરકાર ઘટાડો કરી શકે તેવી અટકળોને પગલે બજારમાં સાવચેતીનું વલણ જોવા મળ્યું હતું.

સાથે જ યુદ્ધ સહિતની વૈશ્વિક ઘટનાઓની અસરથી કિંમતી ધાતુઓના ભાવમાં પણ ઉથલપાથલ જોવા મળી હતી. તાજેતરમાં ભાવમાં ઘટાડા બાદ આજે અચાનક ફરી ઉછાળો નોંધાયો હતો. રોકાણકારો દૈનિક ભાવની મુવમેન્ટ પર નજર રાખી રહ્યા છે, પરંતુ નવરાત્રી, દશેરા અને ધનતેરસ જેવા તહેવારો દરમિયાન પણ જો ભાવમાં આવી જ મોટી વધઘટ ચાલુ રહેશે તો સોનાની ખરીદી પર તેની અસર જોવા મળી શકે છે.

United Times
Author: United Times

DAILY NEWS

Leave a Comment