ત્રણ દિવસની મેઘમહેર બાદ મેઘરાજાનો વિરામ, સિઝનમાં 84.74% વરસાદ
24 કલાકમાં 110 તાલુકામાં વરસાદ; કચ્છના માંડવીમાં સૌથી વધુ 117 મિમી, ત્રણ દિવસમાં જ સિઝનના વરસાદમાં 10 ટકાનો વધારો
રાજકોટ, તા.16: ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદના રાઉન્ડ બાદ હવે મેઘરાજાએ વિરામ લીધો છે. ગઈકાલે એક દિવસ સાર્વત્રિક વરસાદ નોંધાયા બાદ આજે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું જોર ઘટી ગયું હતું. આજે સવારે પૂરા થયેલા 24 કલાક દરમિયાન રાજ્યના 110 તાલુકામાં હળવાથી ભારે વરસાદ નોંધાયો હતો. આ સાથે રાજ્યમાં સિઝનનો કુલ વરસાદ 84.74 ટકા સુધી પહોંચી ગયો છે.
મહત્વની બાબત એ છે કે છેલ્લા ત્રણ દિવસમાં જ રાજ્યમાં સિઝનના કુલ વરસાદના આશરે 10 ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. જોકે, આટલી મેઘમહેર બાદ પણ રાજ્યનો વરસાદ લાંબા ગાળાની સરેરાશ કરતાં હજુ આશરે 15 ટકા ઓછો છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલ મુજબ આજે સવારે 10 વાગ્યે પૂર્ણ થયેલા 24 કલાક દરમિયાન રાજ્યના 110 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. કચ્છના માંડવીમાં સૌથી વધુ 117 મિમી વરસાદ પડ્યો હતો. જોકે, માંડવીમાં નોંધાયેલો મોટાભાગનો વરસાદ ગઈકાલે સવારથી બપોર સુધીમાં જ વરસી ગયો હતો અને ત્યારબાદ વરસાદનું જોર ઘટી ગયું હતું.
ચોમાસામાં સૌથી વધુ વરસાદ ધરાવતા દક્ષિણ ગુજરાતમાં પણ આજે છૂટાછવાયા ઝાપટાં સિવાય નોંધપાત્ર વરસાદ નોંધાયો નહોતો. મધ્ય ગુજરાતના અમદાવાદ, વડોદરા, આણંદ અને ખેડા સહિતના જિલ્લાઓમાં પણ વરસાદનું જોર ઘટ્યું હતું. સૌરાષ્ટ્રમાં ભાવનગરના સિહોરમાં 18 મિમી તથા દ્વારકા અને ખંભાળિયામાં આશરે એક-એક ઈંચ વરસાદ સિવાય મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાએ વિરામ લીધો હતો. ઉત્તર ગુજરાતમાં પણ હળવાં ઝાપટાં જ નોંધાયા હતા.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ કચ્છને બાદ કરતાં રાજ્યમાં ક્યાંય વરસાદનું ખાસ જોર રહ્યું નથી. કચ્છમાં પણ બપોર બાદ વરસાદ થંભી ગયો હતો. આજે પણ રાજ્યમાં નોંધપાત્ર વરસાદની શક્યતા ઓછી હોવાનું જણાવાયું છે.
દરમિયાન, દેશમાંથી ચોમાસાની વિદાયનો સમય નજીક આવી રહ્યો છે. હવામાન વિભાગે 19 સપ્ટેમ્બરની આસપાસ પશ્ચિમી રાજસ્થાનમાંથી ચોમાસું પાછું ખેંચાવાની શરૂઆત થવાની શક્યતા દર્શાવી છે. આ સ્થિતિને જોતા ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસનો વરસાદ ચોમાસાના અંતિમ રાઉન્ડ પૈકીનો એક બની શકે છે.
ત્રણ દિવસમાં સિઝનના વરસાદમાં 10 ટકાનો વધારો
ગુજરાતમાં વરસાદનો આ રાઉન્ડ શરૂ થયો ત્યારે સિઝનનો કુલ વરસાદ 75 ટકાથી પણ ઓછો હતો. હવે તે વધીને 84.74 ટકા થયો છે. રાજ્યમાં સિઝન દરમિયાન સરેરાશ 98.88 ટકા વરસાદની સામે અત્યાર સુધી 770.16 મિમી વરસાદ નોંધાયો છે. આમ, છેલ્લા ત્રણ દિવસના વરસાદથી સિઝનના કુલ વરસાદમાં આશરે 10 ટકાનો વધારો થયો છે.
દક્ષિણ ગુજરાતમાં 112.46 ટકા વરસાદ
ઝોનવાર વરસાદના આંકડા જોતા દક્ષિણ ગુજરાત સિવાયના તમામ ઝોનમાં વરસાદની ઘટ યથાવત્ છે. દક્ષિણ ગુજરાતમાં સિઝનની 1542 મિમી સરેરાશ સામે અત્યાર સુધી 1734.16 મિમી એટલે કે 112.46 ટકા વરસાદ નોંધાયો છે.
મધ્ય ગુજરાતમાં 85.17 ટકા, સૌરાષ્ટ્રમાં 65.47 ટકા, ઉત્તર ગુજરાતમાં 63.37 ટકા અને કચ્છમાં 56.46 ટકા વરસાદ નોંધાયો છે. આમ, દક્ષિણ ગુજરાત સિવાયના ચારેય ઝોનમાં વરસાદની નોંધપાત્ર ઘટ યથાવત્ છે.
રાજકોટ-સૌરાષ્ટ્રને તરબોળ કર્યા બાદ મેઘરાજાનો વિરામ
જામનગર જિલ્લામાં છૂટાછવાયા ઝાપટાં, વરાપ નીકળતાં ખેડૂતો ખેતરમાં કામે લાગ્યા
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સતત ત્રણ દિવસ મેઘમહેર કર્યા બાદ ગઈકાલથી વરસાદનું જોર ઘટી ગયું છે. આજે સવારથી અનેક વિસ્તારોમાં આકાશ સ્વચ્છ થયું હતું અને સૂર્યદેવતાના દર્શન થયા હતા. જોકે, જામનગર જિલ્લામાં કેટલાક તાલુકામાં છૂટાછવાયા ઝાપટાં નોંધાયા હતા.
જામનગર જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન ચાર તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જિલ્લા કલેક્ટર કંટ્રોલરૂમના જણાવ્યા મુજબ ગઈકાલે સાંજે 6 વાગ્યા બાદ વરસાદે વિરામ લીધો હતો. જામનગરમાં 9 મિમી, જોડિયામાં 6 મિમી, ધ્રોલમાં 2 મિમી અને કાલાવડમાં 1 મિમી વરસાદ નોંધાયો હતો. જ્યારે લાલપુર અને જામજોધપુરમાં વરસાદ નોંધાયો નહોતો.
વરસાદે વિરામ લેતા વરાપ નીકળ્યો છે અને ખેડૂતો પોતાના વાડી-ખેતરોમાં ખેતીકામે લાગી ગયા છે.
જામનગર જિલ્લામાં સિઝનના કુલ વરસાદની વાત કરીએ તો જામનગરમાં 322 મિમી, જોડિયામાં 307 મિમી, ધ્રોલમાં 329 મિમી, કાલાવડમાં 269 મિમી, લાલપુરમાં 183 મિમી અને જામજોધપુરમાં 370 મિમી વરસાદ નોંધાયો છે. જિલ્લામાં અત્યાર સુધી સૌથી વધુ 370 મિમી વરસાદ જામજોધપુરમાં અને સૌથી ઓછો 183 મિમી વરસાદ લાલપુરમાં નોંધાયો છે.