ટેકનિકલ ખામી સર્જાતા રાજકોટ-દિલ્હી ફ્લાઈટ અટકી, ખામી દૂર થતાં ઉડાન

મુસાફરોને વિમાનમાંથી ઉતારી રિપેરિંગ શરૂ કરાયું; એકાદ કલાકમાં ખામી દૂર થતાં સવારે 10 વાગ્યે દિલ્હી માટે ફ્લાઈટ રવાના

રાજકોટ: રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આજે સવારે દિલ્હી-રાજકોટ-દિલ્હીની ડેઈલી ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાતા થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વિમાનનું રાજકોટમાં લેન્ડિંગ થયા બાદ રાજકોટથી દિલ્હી જવાના મુસાફરોને બેસાડવામાં આવ્યા હતા, પરંતુ ટેકઓફ પૂર્વે પાઈલટના ધ્યાને ટેકનિકલ ખામી આવતાં મુસાફરોને વિમાનમાંથી નીચે ઉતારવામાં આવ્યા હતા.

ઈન્ડિગોની ફ્લાઈટ સવારે નિર્ધારિત સમય મુજબ 8 વાગ્યે રાજકોટ એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. ત્યારબાદ દિલ્હી જવાના મુસાફરોને વિમાનમાં બેસાડવામાં આવ્યા હતા. જોકે, ટેકઓફ પહેલાં વિમાનમાં યાંત્રિક ખામી હોવાનું સામે આવતાં ફ્લાઈટ રોકી દેવામાં આવી હતી. મુસાફરોને નીચે ઉતારી ટેકનિકલ ટીમ દ્વારા રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

ફ્લાઈટમાં દિલ્હીથી આગળ કનેક્ટિંગ ફ્લાઈટ પકડવાના હોવાથી કેટલાક મુસાફરોમાં ચિંતા જોવા મળી હતી. મુસાફરોએ તાત્કાલિક અન્ય ફ્લાઈટની વ્યવસ્થા કરવાની માંગ સાથે રોષ વ્યક્ત કર્યો હતો. આ દરમિયાન કેટલાક મુસાફરો ટેક્સી મારફતે અમદાવાદ એરપોર્ટ જવા રવાના થયા હતા.

ઈન્ડિગોની ટેકનિકલ ટીમે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી એકાદ કલાકમાં વિમાનની ખામી દૂર કરી હતી. વિમાન ટેકઓફ માટે યોગ્ય હોવાનો રિપોર્ટ મળ્યા બાદ મુસાફરોને ફરી વિમાનમાં બેસાડવામાં આવ્યા હતા.

કંપની દ્વારા શરૂઆતમાં ફ્લાઈટ સવારે 11 વાગ્યે ટેકઓફ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. જોકે, ટેકનિકલ ખામી વહેલી દૂર થતાં ફ્લાઈટ સવારે 10 વાગ્યે રાજકોટથી દિલ્હી જવા રવાના થઈ હતી. ફ્લાઈટમાં વિલંબના કારણે દિલ્હી પહોંચનારા મુસાફરોને નિર્ધારિત સમય કરતાં આશરે એકથી દોઢ કલાક મોડું થયું હતું.

United Times
Author: United Times

DAILY NEWS

Leave a Comment