ખાનગી સંસ્થાઓ, ટ્રસ્ટો અને NGO પર તવાઈ; ‘મંત્રાલય’, ‘કમિશન’, ‘નેશનલ’ સહિતના શબ્દોના ઉપયોગ માટે નિયમોનું પાલન ફરજિયાત
ગાંધીનગર: સરકારી નામ, હોદ્દા અને રાષ્ટ્રીય પ્રતીકોનો ઉપયોગ કરીને સામાન્ય નાગરિકોને ગેરમાર્ગે દોરતી ખાનગી સંસ્થાઓ અને બિનસરકારી સંગઠનો સામે ગુજરાત સરકારે કાર્યવાહી શરૂ કરી છે. સામાન્ય વહીવટ વિભાગે રાજ્યના તમામ વિભાગો, કચેરીઓ તેમજ સક્ષમ નોંધણી અધિકારીઓને ‘પ્રતીકો અને નામો (અયોગ્ય ઉપયોગ નિવારણ) અધિનિયમ, 1950’નું કડક અમલીકરણ સુનિશ્ચિત કરવા સૂચના આપી છે.
કેન્દ્ર સરકારના ગ્રાહક બાબતોના વિભાગ દ્વારા રાજ્યોને મોકલવામાં આવેલા પરિપત્રના અનુસંધાને ગુજરાત સરકારે આ કાર્યવાહી હાથ ધરી છે. પરિપત્રમાં જણાવ્યા મુજબ દેશભરમાં કેટલીક ખાનગી સંસ્થાઓ, ટ્રસ્ટો અને વ્યાપારી પેઢીઓ એવા નામોનો ઉપયોગ કરી રહી છે, જેના કારણે તેઓ સરકારી સંસ્થા હોવાનું ભ્રમ ઊભો થાય છે.
કેટલાક કિસ્સાઓમાં ખાનગી સંસ્થાઓ પોતાના લેટરહેડ, વિઝિટિંગ કાર્ડ, ઓફિસના બોર્ડ અને વેબસાઈટ પર અશોક સ્તંભ, અશોક ચક્ર અથવા સરકારી સિક્કાની નકલ જેવા પ્રતીકોનો ઉપયોગ કરતી હોવાનું ધ્યાન પર આવ્યું છે. આવા ઉપયોગથી સામાન્ય નાગરિકો ખાનગી સંસ્થાને સરકારી સંસ્થા સમજીને નાણાં, દસ્તાવેજો અથવા અન્ય વિગતો આપી દેવાની શક્યતા રહે છે.
સરકારની સૂચનાઓ અનુસાર ખાનગી સંસ્થાઓ, ટ્રસ્ટો અને વ્યાપારી પેઢીઓએ સંસ્થાના નામમાં ‘બ્યુરો’, ‘કમિશન’, ‘મંત્રાલય’, ‘સેન્ટર’, ‘ઓલ ઈન્ડિયા’, ‘નેશનલ’ અને ‘ભારતીય’ જેવા શબ્દોના ઉપયોગ અંગે લાગુ નિયમોનું પાલન કરવું પડશે. જ્યાં અગાઉથી લેખિત મંજૂરી જરૂરી હોય ત્યાં સંબંધિત મંજૂરી મેળવવી ફરજિયાત રહેશે.
ઉપરાંત, ખાનગી સંસ્થા દ્વારા આવા નામનો ઉપયોગ કરવામાં આવે તો તેની ઓળખ અંગે નાગરિકોમાં સરકારી સંસ્થા હોવાનો ભ્રમ ન સર્જાય તે માટે જરૂરી સ્પષ્ટતા કરવી પડશે. સરકારની આ કાર્યવાહીનો હેતુ સરકારી ઓળખ અને રાષ્ટ્રીય પ્રતીકોના અનધિકૃત ઉપયોગને નિયંત્રિત કરવા તેમજ નાગરિકોને ગેરમાર્ગે દોરતી પ્રવૃત્તિઓ અટકાવવાનો છે.