ગુજરાત રેરાના વિવિધ ચુકાદાઓમાં સ્પષ્ટતા : સહિયારી સુવિધાઓ અંગે ફરિયાદ કરતાં પહેલાં સોસાયટીની નોંધણી અને સભ્યોની સત્તા મેળવવી જરૂરી
ગુજરાત: બિલ્ડર દ્વારા પ્રોજેક્ટના બ્રોશરમાં વચન આપ્યા મુજબ સહિયારી સુવિધાઓ (કોમન એમેનિટીઝ) પૂરી પાડવામાં ન આવી હોય અથવા તેમાં ખામીઓ રહી ગઈ હોય તો મિલકતધારકો કાયદાકીય કાર્યવાહી કરી શકે છે. જોકે, આવી ફરિયાદ કઈ રીતે અને કોના દ્વારા કરવી તે અંગે યોગ્ય જાણકારી હોવી જરૂરી છે. ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (ગુજરેરા)ના વિવિધ ચુકાદાઓમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે એકથી વધુ એલોટીઓના હિત સાથે જોડાયેલી કોમન એમેનિટીઝ અંગેની ફરિયાદ સામાન્ય રીતે સોસાયટી અથવા નોંધાયેલ એસોસિએશન દ્વારા થવી જોઈએ. વ્યક્તિગત મિલકતધારક પોતાની રીતે આવી ફરિયાદ કરે તો તેની ફરિયાદની કાયદેસર યોગ્યતા સામે પ્રશ્ન ઊભો થઈ શકે છે.
રેરા કાયદો અમલમાં આવ્યા બાદ બિલ્ડર અને મિલકતધારકોના અધિકારો તથા ફરજો અંગે અનેક જોગવાઈઓ કરવામાં આવી છે. તેમ છતાં, કાયદાની યોગ્ય સમજણ વિના ફરિયાદ દાખલ કરવામાં આવે તો લાંબી કાર્યવાહી બાદ પણ ફરિયાદીને ઇચ્છિત રાહત ન મળે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
વડોદરાની એની આઇકોનિક સ્કીમનો કેસ
વડોદરાની ‘એની આઇકોનિક’ નામની સ્કીમના બે સભ્યોએ ડેવલપર સામે કોમન એમેનિટીઝ અને તેમાં રહેલી ખામીઓ અંગે ફરિયાદ કરી હતી. આ કેસમાં ફરિયાદીઓ એલોટી હોવા અંગે કોઈ વિવાદ નહોતો. જોકે, તેમણે સોસાયટીના તમામ સભ્યો વતી નહીં, પરંતુ વ્યક્તિગત હેસિયતથી ફરિયાદ દાખલ કરી હતી.
આ પ્રોજેક્ટમાં કુલ 26 મકાન અને 10 દુકાનો મળીને 36 યુનિટ હતાં. રેકર્ડ મુજબ, આ સોસાયટીની કો-ઓપરેટિવ હાઉસિંગ સર્વિસ સોસાયટી તરીકે નોંધણી થઈ નહોતી. તેથી સોસાયટી પોતે ફરિયાદી બની શકે તેવી સ્થિતિ નહોતી.
ગુજરેરાએ નોંધ્યું હતું કે ફરિયાદીઓએ તમામ સભ્યો વતી ફરિયાદ કરી હોવાનું દર્શાવ્યું નથી. જો અન્ય તમામ સભ્યો ફરિયાદીઓની તરફેણમાં સત્તા આપે અને તેઓ સોસાયટીના સભ્યો વતી ફરિયાદ કરે તો કોમન એમેનિટીઝ અંગેની ફરિયાદ કરવાની બાબત વિચારણા હેઠળ આવી શકે છે. આ કેસમાં વ્યક્તિગત હેસિયતથી ફરિયાદ કરવામાં આવી હોવાથી ફરિયાદીઓને માગેલી રાહત આપવાનો આધાર સ્વીકારવામાં આવ્યો નહોતો.
અગાઉના ચુકાદાઓનો પણ ઉલ્લેખ
આ ચુકાદામાં અગાઉના કેટલાક કાનૂની નિર્ણયોને પણ ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. ગુજરાત રેરા એપેલેટ ટ્રિબ્યુનલના મનિષ એમ. પટેલ વિરુદ્ધ ક્રિસ્ટલ યજ્ઞપુષ કોમર્શિયલ અને રેસિડેન્શિયલ એસોસિએશન (અપીલ નં. 121/2019)ના કેસમાં નોંધાયેલ એસોસિએશન ન હોવા છતાં ફરિયાદ અંગે વિચારણા થઈ શકે તેવી સ્થિતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત મહારાષ્ટ્ર રેરા એપેલેટ ટ્રિબ્યુનલના વિનોદ પરશુરામ આટપાડકર વિરુદ્ધ સાન્વો રિસોર્ટ્સ પ્રા. લિ. અને કેરળ હાઈકોર્ટના જેકબ ઇપેન સેમ અને અન્ય વિરુદ્ધ વર્ગીસ નેટ્ટીકાદન કેસનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ ચુકાદાઓમાં કોમન સુવિધાઓ સંબંધિત ફરિયાદમાં એકથી વધુ એલોટીઓનાં હિત જોડાયેલાં હોવાથી એસોસિએશન અથવા સંબંધિત તમામ એલોટીઓનું પ્રતિનિધિત્વ મહત્ત્વનું હોવાનું દર્શાવવામાં આવ્યું છે.
સુરતના રામેશ્વરમ દેવભૂમિ પ્રોજેક્ટમાં 90 દિવસની મુદત
સુરતના ‘રામેશ્વરમ દેવભૂમિ’ પ્રોજેક્ટ અંગે 23 મે 2025ના રોજ આપવામાં આવેલા ગુજરેરાના ચુકાદામાં રેરા એક્ટની કલમ 19(3)નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ જોગવાઈના સંદર્ભમાં કોમન એમેનિટીઝ અંગેની દાદ મેળવવા માટે સોસાયટી અથવા તેના અધિકૃત હોદ્દેદારો દ્વારા ફરિયાદ કરવાની બાબત પર ભાર મૂકવામાં આવ્યો હતો.
આ કેસમાં સર્વિસ સોસાયટીની નોંધણી થઈ ન હોવાનું રેકર્ડ પરથી જણાતાં ગુજરેરાએ ફરિયાદનો ગુણદોષના આધારે નિકાલ કરવાને બદલે 90 દિવસમાં સર્વિસ સોસાયટીની રચના કરીને તેની નોંધણી કરાવવાની દિશામાં હુકમ કર્યો હતો. ત્યારબાદ સોસાયટીના હોદ્દેદારો યોગ્ય માને તો કોમન એમેનિટીઝ અંગે નવી ફરિયાદ દાખલ કરી શકે તેવી સ્પષ્ટતા કરવામાં આવી હતી.
તક્ષશીલા ફેઝ-2ના કેસમાં પણ એસોસિએશનનો મુદ્દો
વડોદરાના તક્ષશીલા ફેઝ-2 પ્રોજેક્ટ સંબંધિત કેસમાં તક્ષશીલા ફેઝ-1ના 47 ફરિયાદીઓએ બિલ્ડર સામે અનેક આક્ષેપો કર્યા હતા. તેમના જણાવ્યા મુજબ, પ્રોજેક્ટનો કેટલોક ભાગ બિલ્ડરે અન્ય લોકોને વેચી દીધો હતો તેમજ એલોટીઓનું એસોસિએશન રચવામાં આવ્યું નહોતું અને સહિયારી સુવિધાઓમાં પણ ખામીઓ હતી.
જોકે, આ કેસમાં પણ ફરિયાદીઓએ એસોસિએશન ઓફ એલોટીઝ વતી નહીં, પરંતુ વ્યક્તિગત હેસિયતથી ફરિયાદ કરી હોવાનો મુદ્દો સામે આવ્યો હતો. ગુજરેરાએ આ સંજોગોમાં ફરિયાદની કાયદેસર યોગ્યતા અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો અને સોસાયટીની રચના થયા બાદ સંબંધિત મુદ્દાઓ અંગે નવેસરથી ફરિયાદ કરવાનો માર્ગ ખુલ્લો રહે તેવી સ્પષ્ટતા કરી હતી.
ફરિયાદ કરતાં પહેલાં કાનૂની પ્રક્રિયા સમજવી જરૂરી
આ તમામ ચુકાદાઓ પરથી એટલું સ્પષ્ટ થાય છે કે કોમન એમેનિટીઝ અંગે બિલ્ડર સામે ફરિયાદ કરતાં પહેલાં સોસાયટીની રચના, તેની નોંધણી અને ફરિયાદ કરનાર વ્યક્તિને મળેલી સત્તા જેવા મુદ્દાઓનું ધ્યાન રાખવું જરૂરી છે. સોસાયટીની રચના થઈ ન હોય તો તમામ એલોટીઓનું પ્રતિનિધિત્વ કેવી રીતે કરવું તે અંગે પણ યોગ્ય કાનૂની માર્ગદર્શન મેળવવું જોઈએ.
કેટલાક કિસ્સાઓમાં સોસાયટીની રચના થયા બાદ તેના હોદ્દેદારો ફરિયાદ દાખલ ન કરે ત્યારે મિલકતધારકો સોસાયટીને પણ કેસમાં પક્ષકાર બનાવે છે. આવી પરિસ્થિતિમાં કાયદાકીય સ્થિતિ શું હોઈ શકે તે અલગથી સમજવા જેવો મુદ્દો છે.
મહત્ત્વની સલાહ: દરેક કેસની હકીકતો અલગ હોય છે. તેથી રેરામાં ફરિયાદ દાખલ કરતાં પહેલાં સંબંધિત કાયદાની જોગવાઈઓ, અગાઉના ચુકાદાઓ અને પોતાના કેસની સ્થિતિનો અભ્યાસ કરીને ઓળખીતા વકીલની સલાહ લેવી જરૂરી છે. કોમન એમેનિટીઝ અંગેના ચુકાદાઓની નકલ મેળવવા માટે લેખમાં દર્શાવેલા ઇમેલ સરનામે પોતાના પરિચય સાથે વિનંતી કરી શકાય છે.










