અજાણ્યા નંબર પરથી આવેલા મેસેજની લિંક પર ક્લિક કરતાં મોબાઈલનું એક્સેસ હેકર્સના હાથમાં ગયું; સાત ટ્રાન્ઝેક્શન દ્વારા ખાતામાંથી નાણાં ઉપડી ગયા
ગોંડલમાં ઈ-ચલણ ભરવાના નામે સાયબર છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. કપડાના વેપારીને અજાણ્યા મોબાઈલ નંબર પરથી ઈ-ચલણ અંગેનો મેસેજ મળ્યો હતો. મેસેજમાં આપેલી લિંક ખોલતાં તેમનો મોબાઈલ હેક થઈ ગયો હતો. ત્યારબાદ સાયબર ઠગોએ મોબાઈલનું એક્સેસ મેળવી સાત અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા બેંક ખાતામાંથી કુલ રૂ.2,76,777 ઉપાડી લીધા હતા. આ મામલે ગોંડલ સિટી પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
કારના ચલણના નામે મોકલી હતી લિંક
ગોંડલની મોટી બજાર વિસ્તારમાં પારેખ શેરીમાં રહેતા 53 વર્ષીય યુસુફભાઈ રઉફભાઈ નુરસુમારે પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ દેવપરા વિસ્તારમાં મીરબાહ ગારમેન્ટ નામની કપડાની દુકાન ચલાવે છે. ગત તા. 8ના રોજ તેમના મોબાઈલ પર 082270 13659 નંબર પરથી ટેક્સ્ટ મેસેજ આવ્યો હતો. તેમાં તેમની ગ્રાન્ડ વિટારા કાર નંબર GJ-03-PD-9206ના ચલણ અંગેની માહિતી આપવામાં આવી હતી.
મેસેજમાં ચલણ ભરવા માટે એક લિંક પણ આપવામાં આવી હતી. વેપારીએ ચલણ ભરવાના ઇરાદે આ લિંક પર ક્લિક કર્યું હતું. જોકે, ત્યારબાદ તેઓ મેસેજમાંથી બહાર નીકળી ગયા હતા.
સાત ટ્રાન્ઝેક્શનથી રૂ.2.76 લાખ ઉપડી ગયા
ફરિયાદ મુજબ, ગત તા. 11ના રોજ વેપારીએ પેમેન્ટ કરવા માટે ગૂગલ પેનો ઉપયોગ કર્યો ત્યારે પેમેન્ટ થયું નહોતું. તે જ સાંજે એક વેપારી પાસેથી રૂ.8,300 તેમના ખાતામાં જમા થયા હતા. ત્યારબાદ તેઓ કડિયા સ્ટાર સિલેક્શન ખાતે હતા ત્યારે તેમનો મોબાઈલ હેંગ થવા લાગ્યો હતો.
થોડી જ વારમાં બેંક ખાતામાંથી સાત અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ રૂ.2,76,777 ઉપડી ગયાની જાણ થઈ હતી. આથી વેપારીને પોતે સાયબર ફ્રોડનો ભોગ બન્યાની જાણ થઈ હતી.
1930 પર ફરિયાદ બાદ પોલીસ તપાસ શરૂ
ઘટનાની જાણ થતાં વેપારીએ તાત્કાલિક સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કરી અરજી નોંધાવી હતી. આ અરજીના આધારે ગોંડલ સિટી પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી નાણાંની ઉઠાંતરી અંગે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.










