ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: શહેરામાં 5 ઇંચ વરસાદથી જળબંબાકાર

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ; આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી

ગાંધીનગર: એક સપ્તાહના વિરામ બાદ ગુજરાતમાં ફરી વરસાદી રાઉન્ડ શરૂ થયો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં સવારથી વરસાદનું જોર વધ્યું છે. પંચમહાલના શહેરામાં છ કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબકતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. કોઠંબામાં 3 ઇંચ અને લુણાવાડામાં અઢી ઇંચ વરસાદ નોંધાયો છે.

અમદાવાદમાં પણ સવારથી ધોધમાર વરસાદ પડ્યો હતો. નિકોલ, ઓઢવ, હંસપુરા અને એસજી હાઈવે વિસ્તારમાં પાણી ભરાવા સાથે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. એસજી હાઈવે પર ભુવો પડતાં વાહનવ્યવહારને અસર થઈ હતી. હાઈકોટ ઓવરબ્રિજ નજીક પણ ભુવો પડતાં વિસ્તાર કોર્ડન કરવામાં આવ્યો હતો.

ગાંધીનગરમાં પણ સવા ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. સવારે 6થી 12 વાગ્યા દરમિયાન રાજ્યના 81 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગ મુજબ મધ્ય પ્રદેશ પર સક્રિય લો-પ્રેશર સિસ્ટમ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદી માહોલ સર્જાયો છે. આગામી બે દિવસ રાજ્યમાં વરસાદી પ્રવૃત્તિ ચાલુ રહેવાની શક્યતા છે.

મધ્ય પ્રદેશ અને રાજસ્થાનને અડીને આવેલા ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર વધુ રહેવાની શક્યતા છે, જ્યારે અન્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

રાજ્યમાં અત્યાર સુધી 70.60 ટકા સીઝનનો વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 97.36 ટકા, મધ્ય ગુજરાતમાં 68.10 ટકા, સૌરાષ્ટ્રમાં 54.76 ટકા, ઉત્તર ગુજરાતમાં 51.65 ટકા અને કચ્છમાં 29.05 ટકા વરસાદ નોંધાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai