નવસારી, મોરબી, ભાવનગર અને છોટા ઉદેપુરમાં એકસાથે 100 ખેડૂતોને તાલીમ મળશે
ગાંધીનગર: રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા ગુજરાત સરકારે રૂ.20 કરોડના ખર્ચે ચાર જિલ્લામાં સેન્ટર ઑફ એક્સેલન્સ સ્થાપવાનો નિર્ણય લીધો છે. વર્ષ 2026-27 માટે આ કેન્દ્રોને વહીવટી મંજૂરી આપવામાં આવી છે.
પ્રથમ તબક્કામાં નવસારીના નાની ભમતી, મોરબીના હળવદ, ભાવનગરના વળાવડ અને છોટા ઉદેપુરના ચૂડેલ ખાતે કેન્દ્રો સ્થાપવામાં આવશે. અહીં એકસાથે 100 ખેડૂતોને તાલીમ આપી શકાય તેવી આધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવશે.
આ કેન્દ્રોમાં ખેડૂતોને જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત અને નિમાસ્ત્ર જેવા બાયો-ઇનપુટ્સ તૈયાર કરવાની તાલીમ આપવામાં આવશે. સાથે જ આ સામગ્રી નજીવા ભાવે ખેડૂતોને ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે.
ખેડૂતોને માટી પરીક્ષણ, પાકની ગુણવત્તા, નવી ટેકનોલોજી, મૂલ્યવર્ધન અને કાપણી બાદની પ્રક્રિયા અંગે માર્ગદર્શન મળશે. વિવિધ પાકો, પંચસ્તરીય પ્રાકૃતિક ખેતી, મિશ્ર પાક અને સહજીવી પાક પદ્ધતિનું પ્રત્યક્ષ નિદર્શન પણ કરાવવામાં આવશે.
કેન્દ્રો પરથી બિયારણ, રોપા, કટીંગ, કલમો અને અન્ય ખેતી સામગ્રી પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. યોજનાના અમલીકરણની જવાબદારી ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડને સોંપવામાં આવી છે.
સરકારના આ નિર્ણયથી ખેડૂતોને એક જ સ્થળે તાલીમ, માર્ગદર્શન, ટેકનોલોજી અને ખેતી સામગ્રી મળી રહેશે અને પ્રાકૃતિક ખેતીનો ખર્ચ ઘટાડવામાં મદદ મળશે.










