સાંસદ પરસોતમ રૂપાલાના પ્રશ્નના જવાબમાં ઉડ્ડયન મંત્રીએ કહ્યું – સરકાર સુવિધા આપે, ફ્લાઇટ શરૂ કરવી કે નહીં તે કંપનીઓ નક્કી કરે
નવી દિલ્હી/રાજકોટ: રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી સીધી વિદેશી ફ્લાઇટ શરૂ કરવાની લાંબા સમયથી ચાલી રહેલી માંગ વચ્ચે કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવાનો અંતિમ નિર્ણય એરલાઇન્સ કંપનીઓનો રહેશે.
લોકસભામાં રાજકોટના સાંસદ પરસોતમ રૂપાલા દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી મુરલીધર મોહોલએ જણાવ્યું હતું કે રાજકોટ એરપોર્ટ માટે કસ્ટમ અને ઇમિગ્રેશન સંબંધિત જરૂરી મંજૂરીઓ આપવામાં આવી છે. એરપોર્ટને કસ્ટમ નોટિફાઇડ એરપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે અને ઇમિગ્રેશન ચેકપોસ્ટની પ્રક્રિયા પણ પૂર્ણતાના આરે છે.
જોકે, દુબઈ, લંડન, અમેરિકા સહિતના આંતરરાષ્ટ્રીય રૂટ પર સીધી ફ્લાઇટ શરૂ કરવા અંગે કોઈ સમયમર્યાદા કે ખાતરી આપવામાં આવી નથી. મંત્રીએ જણાવ્યું કે સરકાર જરૂરી માળખાકીય સુવિધાઓ ઉભી કરી શકે છે, પરંતુ કયા રૂટ પર અને ક્યારે ફ્લાઇટ શરૂ કરવી તે એરલાઇન્સ કંપનીઓ પોતાના વ્યાપારી હિતોને ધ્યાનમાં રાખીને નક્કી કરે છે.
રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રના વેપારીઓ તેમજ એનઆરઆઈ સમાજ લાંબા સમયથી સીધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટની માંગ કરી રહ્યા છે. હાલમાં વિદેશ જવા માટે મુસાફરોને અમદાવાદ અથવા મુંબઈ જવું પડે છે, જેના કારણે સમય અને ખર્ચ બંનેમાં વધારો થાય છે.
કેન્દ્ર સરકારના આ જવાબ બાદ હવે રાજકોટથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવાની જવાબદારી એરલાઇન્સ કંપનીઓ પર હોવાનો સ્પષ્ટ સંદેશ મળ્યો છે.










