કાલથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ: સૌરાષ્ટ્ર-કચ્છમાં શિવભક્તિનો માહોલ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

સોમનાથ સહિતના શિવાલયોમાં વિશેષ આયોજન; ચારેય સોમવારે પાલખીયાત્રા, ભક્તો માટે પ્રસાદીની વધારાની વ્યવસ્થા

રાજકોટ: આવતીકાલથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતાં રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં શિવભક્તિનો માહોલ છવાશે. શ્રાવણ માસ દરમિયાન શિવાલયોમાં હર હર મહાદેવ અને ૐ નમઃ શિવાયના નાદ ગુંજી ઉઠશે. સોમનાથ, ઘેલા સોમનાથ, જડેશ્વર મહાદેવ, ગોપનાથ સહિતના પ્રસિદ્ધ મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન અને પૂજન માટે ઉમટશે.

સોમનાથ: વિશ્વપ્રસિદ્ધ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસને લઈને વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. શ્રાવણના દરેક સોમવારે મંદિર સવારે 4 વાગ્યે ખુલશે અને રાત્રે 10 વાગ્યા સુધી દર્શન માટે ખુલ્લું રહેશે. શ્રાવણના પ્રથમ દિવસે મંદિરના શિખર પર વિશેષ ધ્વજારોહણ કરવામાં આવશે.

શ્રાવણના ચારેય સોમવારે મંદિર પરિસરમાં શિવ પાલખીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર માસ દરમિયાન દરરોજ સાંજે ભગવાન સોમનાથના વિવિધ મનોહર શણગાર કરવામાં આવશે. મંદિર પરિસરને ફૂલો અને રોશનીથી શણગારવામાં આવશે. 15 ઓગસ્ટે રાષ્ટ્રીય પર્વ નિમિત્તે ત્રિરંગા શણગાર પણ કરવામાં આવશે.

ભક્તો માટે વધારાની વ્યવસ્થા

શ્રાવણ માસ દરમિયાન દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં યાત્રિકો સોમનાથ પહોંચવાના હોવાથી ટ્રસ્ટ દ્વારા વધારાનો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે. વિનામૂલ્યે ભોજન પ્રસાદીમાં વધતી ભીડને ધ્યાનમાં રાખીને ભોજનાલયની બાજુમાં વધારાની બેઠક વ્યવસ્થા સાથે નવું ભોજન પ્રસાદી ઘર પણ કાર્યરત કરવામાં આવશે.

શ્રાવણના ચારેય સોમવારની સંધ્યા ધ્વજા અને પાલખીયાત્રાનું બુકિંગ પૂર્ણ થઈ ગયું છે. સમગ્ર માસ દરમિયાન સોમનાથ મહાદેવને વિવિધ શણગારમાં ભક્તોને દર્શન આપવામાં આવશે.

રાજકોટ: શહેરમાં રામનાથ મહાદેવ, પંચનાથ મહાદેવ, ધારેશ્વર મહાદેવ, જાગનાથ મહાદેવ, મંગલેશ્વર મહાદેવ, કમલેશ્વર મહાદેવ, ઓમકારેશ્વર મહાદેવ, સર્વેશ્વર મહાદેવ, ઇશ્વરીયા મહાદેવ અને ભૂતનાથ મહાદેવ સહિતના મંદિરોમાં વિશેષ પૂજન-અર્ચન અને ધાર્મિક કાર્યક્રમો યોજાશે. શ્રાવણ માસ દરમિયાન રુદ્રાભિષેક, બિલ્વપત્ર અર્પણ અને વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો કરવામાં આવશે.

ખંભાળિયા અને દેવભૂમિ દ્વારકા: ખંભાળિયા સહિત સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા પ્રાચીન શિવ મંદિરોમાં પણ શ્રાવણ માસની ઉજવણી માટે તૈયારીઓ પૂર્ણ થઈ છે. ખામનાથ મહાદેવ, રામનાથ મહાદેવ, જડેશ્વર મહાદેવ, શરણેશ્વર મહાદેવ, પાળેશ્વર મહાદેવ, વિદ્યાશંકર મહાદેવ, સુખનાથ મહાદેવ અને રામેશ્વર મહાદેવ સહિતના મંદિરોમાં ભક્તો વહેલી સવારથી પૂજન માટે પહોંચશે.

કોટેશ્વર મહાદેવ અને દાત્રાણાના ધીંગેશ્વર મહાદેવ મંદિરમાં પણ શ્રાવણ દરમિયાન વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. ખામનાથ મહાદેવ મંદિરમાં પરંપરાગત ઘીની મહાપૂજા સહિતના ધાર્મિક આયોજન કરવામાં આવશે.

આ ઉપરાંત દ્વારકા નજીક આવેલા નાગેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ ખાતે પણ શ્રાવણ માસ દરમિયાન દરરોજ મોટી સંખ્યામાં શિવભક્તો દર્શન અને પૂજન માટે ઉમટશે. સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં શ્રાવણ માસને લઈને ભક્તિ અને ધાર્મિક ઉત્સાહનો માહોલ જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai