“10-10 અને 5-5 કેમ નથી રમતા?” : 2006માં T20 ફોર્મેટના વિરોધનો દાવો, લલિત મોદીએ પોસ્ટ રીપોસ્ટ કરતાં વિવાદ વકર્યો
રાજકોટ: સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (SCA) સાથે જોડાયેલા વિવાદ વચ્ચે હવે IPLના સ્થાપક અને પૂર્વ ચેરમેન લલિત મોદીની એન્ટ્રી થતાં ક્રિકેટ જગતમાં ચર્ચા તેજ બની છે. લલિત મોદીએ સોશિયલ મીડિયા પર સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન અંગેની એક પોસ્ટ અને વીડિયો રીપોસ્ટ કરતાં મામલો વધુ ચર્ચામાં આવ્યો છે.
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં કથિત નાણાકીય ગેરરીતિ અને બંધારણીય સુધારાને લઈને પોરબંદર રૂરલ ક્રિકેટ એસોસિએશન દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. આ મામલે સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ એમ.આર. શાહની અધ્યક્ષતામાં કમિટી રચવામાં આવી હતી. કમિટીએ વિવિધ સભ્યો અને જિલ્લા ક્રિકેટ એસોસિએશનો પાસેથી અભિપ્રાયો મેળવી હાઇકોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો છે.
આ દરમિયાન 11 ઓગસ્ટની હિયરિંગ સાથે જોડાયેલો વીડિયો ‘સૌરાષ્ટ્ર ક્રિકેટની પોલ ખોલ’ નામના સોશિયલ મીડિયા અભિયાન દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો. લલિત મોદીએ આ વીડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર રીપોસ્ટ કરતાં SCA વિવાદમાં તેમની સક્રિયતા અંગે ચર્ચા શરૂ થઈ છે.
T20 ફોર્મેટના વિરોધનો દાવો
આ ઉપરાંત ‘સૌરાષ્ટ્ર ક્રિકેટની પોલ ખોલ’ દ્વારા કરવામાં આવેલી બીજી પોસ્ટ પણ ચર્ચાનું કેન્દ્ર બની છે. પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે 2006માં નિરંજન શાહે T20 ક્રિકેટના પ્રારંભિક તબક્કામાં આ ફોર્મેટ સામે વાંધો વ્યક્ત કર્યો હતો.
પોસ્ટમાં એવો પણ દાવો છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે T20 ક્રિકેટ અંગે ચર્ચા દરમિયાન નિરંજન શાહે રમૂજી રીતે “10-10 અને 5-5 કેમ નથી રમતા?” એવો સવાલ કર્યો હતો. જોકે, આ દાવાની સ્વતંત્ર પુષ્ટિ જરૂરી છે.
રસપ્રદ બાબત એ છે કે આ પોસ્ટને પણ લલિત મોદીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે. લલિત મોદી IPLના સ્થાપક ચેરમેન હતા અને તે સમયગાળા દરમિયાન નિરંજન શાહ પણ ભારતીય ક્રિકેટના વહીવટી માળખામાં મહત્વની ભૂમિકામાં હતા.
હવે સોશિયલ મીડિયા પર આ પોસ્ટને લઈને ચર્ચા ચાલી રહી છે કે T20 જેવા વિશ્વના સૌથી લોકપ્રિય ક્રિકેટ ફોર્મેટના શરૂઆતના તબક્કામાં તેનો વિરોધ થયો હતો કે કેમ અને જો થયો હોય તો તેના પાછળનું કારણ શું હતું.
SCA સાથે જોડાયેલા વર્તમાન વિવાદ અને લલિત મોદીની સોશિયલ મીડિયા સક્રિયતાને કારણે આગામી દિવસોમાં આ મામલો વધુ ચર્ચામાં રહેવાની શક્યતા છે.










