અમિતાભ બચ્ચન સામે હોટસીટ પર પહોંચ્યા દુનિયાના સૌથી નાના કદના ડોક્ટર
ભાવનગરઃ અમિતાભ બચ્ચન દ્વારા હોસ્ટ કરવામાં આવતો લોકપ્રિય ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ-18’ (KBC-18) 10 ઓગસ્ટથી શરૂ થયો છે. શોના તાજેતરના એપિસોડમાં ગુજરાતના ડો. ગણેશ બારૈયાએ ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ જીતીને હોટસીટ પર સ્થાન મેળવ્યું હતું.
અમિતાભ બચ્ચન સામે હોટસીટ પર બેઠેલા ડો. ગણેશે પોતાના જીવનના સંઘર્ષની કહાની જણાવી હતી. તેમની આગવી શૈલી અને આત્મવિશ્વાસથી તેમણે શોમાં ઉપસ્થિત સૌના દિલ જીતી લીધા હતા.
ગુજરાતના ગોરખી ગામના વતની ડો. ગણેશ બારૈયાની ઊંચાઈ માત્ર 3 ફૂટ 4 ઈંચ છે. તેઓ વામનતાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને શારીરિક અક્ષમતાને કારણે તેમના શરીરનો 72 ટકા ભાગ અસરગ્રસ્ત છે. તેમ છતાં તેમણે ધોરણ 12માં 87 ટકા ગુણ મેળવ્યા હતા અને NEETમાં ઓલ ઈન્ડિયા 233મો રેન્ક મેળવ્યો હતો.
શારીરિક મર્યાદાઓને કારણે શરૂઆતમાં તેમને MBBSમાં પ્રવેશ આપવામાં આવ્યો નહોતો. જોકે, શાળાના પ્રિન્સિપાલના સહયોગથી તેમણે કોર્ટમાં કાનૂની લડાઈ લડી અને જીત મેળવી હતી. ત્યારબાદ ડોક્ટર બનવાનું પોતાનું સપનું સાકાર કર્યું. હાલમાં તેઓ ભાવનગરની હોસ્પિટલમાં પીડિયાટ્રિક્સ વિભાગમાં ડોક્ટર તરીકે સેવા આપી રહ્યા છે.
પિતાએ 5 લાખની ઓફર ઠુકરાવી
KBCના મંચ પર ડો. ગણેશે બાળપણની એક ભાવુક ઘટના પણ શેર કરી હતી. તેમણે જણાવ્યું કે પ્રાથમિક શાળામાં ભણતા હતા ત્યારે સર્કસના કેટલાક લોકો તેમના ઘરે આવ્યા હતા અને તેમના પિતાને ગણેશને સર્કસમાં મોકલવા માટે રૂ.5 લાખની ઓફર કરી હતી.
જોકે, ગણેશના પિતાએ પૈસાની લાલચ ઠુકરાવીને પુત્રના શિક્ષણને પ્રાથમિકતા આપી હતી. પિતાના આ નિર્ણયથી જ ગણેશ આજે ડોક્ટર બની શક્યા છે.
KBCમાં 25 હજાર રૂપિયા જીત્યા
KBCની રમત દરમિયાન ડો. ગણેશ રૂ.3 લાખના પ્રશ્ન સુધી પહોંચ્યા હતા. જોકે, ત્યાં સુધીમાં તેમની તમામ લાઇફલાઇન્સ પૂરી થઈ ગઈ હતી. પરિણામે તેમણે રમતમાંથી બહાર થવાનો નિર્ણય લીધો અને રૂ.25 હજારની ઇનામી રકમ લઈને પરત ફર્યા.
KBCના મંચ પર ડો. ગણેશ બારૈયાની સંઘર્ષગાથાએ માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશભરના દર્શકોનું પણ ધ્યાન ખેંચ્યું છે.










