ટંકારા-વાંકાનેરમાં ઘરફોડ ચોરી કરનાર બે શખ્સ ઝડપાયા: ₹4.39 લાખનો મુદ્દામાલ કબજે

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ટંકારા અને વાંકાનેર વિસ્તારમાં ઘરફોડ ચોરીની બે ઘટનાને અંજામ આપનાર વડોદરા અને અમદાવાદના બે શખ્સોને મોરબી જિલ્લા LCB પોલીસે ₹4.39 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી સોના-ચાંદીના દાગીના, ચાંદીના સિક્કા, રોકડ રકમ અને બાઈક કબજે કર્યું છે.

પોલીસને વાંકાનેર બાઉન્ડ્રી પાસે વાહન ચેકિંગ દરમિયાન નંબર પ્લેટ વગરના બાઈક પર બે શખ્સો પસાર થવાના હોવાની ચોક્કસ બાતમી મળી હતી. LCBની ટીમે વોચ ગોઠવી બંનેને અટકાવી પૂછપરછ કરતાં ટંકારા અને વાંકાનેરમાં ઘરફોડ ચોરી કર્યાની કબૂલાત કરી હતી.

બે મકાનોને બનાવ્યા હતા નિશાન

વાંકાનેર નજીકના જૂના વઘાસીયા ગામે રહેતા ફાતમાબેન ઉસ્માનભાઈ માણસિયાના મકાનમાંથી તસ્કરોએ સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત ₹1.71 લાખનો મુદ્દામાલ ચોરી કર્યો હતો. આ અંગે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.

બીજી ઘટના ટંકારા ડેરી નાકા પાસે બની હતી. વિનોદભાઈ મૂળજીભાઈ ગોહેલના મકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત ₹98,305નો મુદ્દામાલ ચોરાયો હતો. આ અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

વડોદરા અને અમદાવાદના આરોપીઓ ઝડપાયા

પોલીસે જયસિંઘ ઉર્ફે રાણા શેરસિંઘ બાવરી (22), રહે. દંતેશ્વર, વડોદરા અને અર્જુનસિંઘ હીરાસિંઘ પટવા (19), રહે. બાવળા, અમદાવાદની ધરપકડ કરી છે.

બંને આરોપીઓ પાસેથી સોના-ચાંદીના દાગીના, ચાંદીના સિક્કા, રોકડ અને બાઈક સહિત કુલ ₹4,39,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ટંકારા ચોરીના ગુનામાંથી ₹1.03 લાખનો મુદ્દામાલ રિકવર કરીને ટંકારા પોલીસને સોંપવામાં આવ્યો છે, જ્યારે બંને આરોપીઓને વાંકાનેર સિટી પોલીસને સોંપવામાં આવ્યા છે.

પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ રાત્રિના સમયે મોબાઈલ ફોન સાથે રાખ્યા વગર અને નંબર પ્લેટ વગરના બાઈક પર અન્ય જિલ્લામાં જતા અને બંધ મકાનોને નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના તથા રોકડની ચોરી કરી પોતાના વતન તરફ નાસી જતા હતા.

આ કામગીરી મોરબી જિલ્લા LCBના ઇન્ચાર્જ PI એસ.પી. જાડેજાની સૂચના હેઠળ PSI બી.ડી. ભટ્ટ તથા LCBની ટીમે કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai