ગુજરાતમાં લાંબા સમય બાદ આવકવેરા વિભાગે મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ગાંધીધામમાં આવેલી બે શિપબ્રેકિંગ યુનિટો પર ઈન્કમટેક્સ વિભાગની ટીમોએ દરોડા પાડતાં વેપારી વર્તુળોમાં ચર્ચા તેજ બની છે.
મળતી માહિતી મુજબ આવકવેરા વિભાગની મુંબઈ ઈન્વેસ્ટિગેશન વિંગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. સર્ચ દરમિયાન સ્થાનિક આવકવેરા અધિકારીઓને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
બંને શિપબ્રેકિંગ યુનિટોમાં એકસાથે હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં દસ્તાવેજો, નાણાકીય વ્યવહારો અને હિસાબી વિગતોની તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.
લાંબા સમય બાદ ગુજરાતમાં ઈન્કમટેક્સ વિભાગની આ પ્રકારની મોટી કાર્યવાહી થતાં ગાંધીધામના ઉદ્યોગ અને વેપારી વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ છે. જોકે, સર્ચ પૂર્ણ થયા બાદ જ કાર્યવાહી અંગે વધુ સત્તાવાર વિગતો સામે આવવાની શક્યતા છે.










