રાજકોટ: ગુનાખોરી અને વાહન સંબંધિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા રાજકોટ શહેરમાં નંબર પ્લેટ વગરના વાહનોને પેટ્રોલ, ડીઝલ કે CNG આપવાનો પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા જાહેરનામું બહાર પાડીને તમામ પેટ્રોલ પંપ અને CNG સ્ટેશનોને તેનો અમલ કરવા સૂચના આપવામાં આવી છે.
નવા નિયમ મુજબ વાહનની આગળ અને પાછળ કાયદેસરની HSRP અથવા સ્પષ્ટ દેખાતી નંબર પ્લેટ હોવી ફરજિયાત રહેશે. નંબર પ્લેટ કાઢી નાખેલી, વાળેલી, તૂટેલી, ઢાંકેલી, અસ્પષ્ટ અથવા તેમાં છેડછાડ કરાયેલી હશે તો પણ વાહનને ઈંધણ આપવામાં આવશે નહીં.
પોલીસના જણાવ્યા મુજબ કેટલાક વાહનચાલકો CCTV આધારિત ઈ-ચલણથી બચવા માટે જાણીજોઈને નંબર પ્લેટ કાઢી નાખતા કે તેમાં ફેરફાર કરતા હોવાની બાબત સામે આવી હતી. આવા વાહનોની ઓળખ મુશ્કેલ બનતી હોવાથી હિટ એન્ડ રન, ચેઈન સ્નેચિંગ, લૂંટ સહિતની ગુનાહિત પ્રવૃત્તિઓમાં તેનો દુરુપયોગ થવાની શક્યતા રહે છે.
આ જાહેરનામું 17 ઓગસ્ટ 2026થી 16 ઓક્ટોબર 2026 સુધી કુલ 60 દિવસ અમલમાં રહેશે. જોકે, અસ્થાયી રજીસ્ટ્રેશન ધરાવતા વાહનો ઉપરાંત એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને અન્ય કટોકટીની સેવાઓને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે.
પંપ પર ‘નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં’નું બોર્ડ ફરજિયાત
તમામ પેટ્રોલ પંપ અને CNG સ્ટેશનો પર પ્રવેશદ્વાર તથા ડિસ્પેન્સિંગ યુનિટ નજીક ‘નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં’ લખાણ ધરાવતા મોટા સૂચના બોર્ડ લગાવવાના રહેશે.
જો ઈંધણ આપવાનો ઈનકાર કરવામાં આવતા કોઈ વાહનચાલક રકઝક, ધાકધમકી કે બળજબરી કરે અથવા અવ્યવસ્થા ઊભી કરવાનો પ્રયાસ કરે તો પંપ સંચાલકોએ તાત્કાલિક પોલીસને જાણ કરવાની રહેશે.
CCTV કેમેરા પણ ફરજિયાત
પેટ્રોલ પંપ અને CNG સ્ટેશનો પર CCTV સિસ્ટમ કાર્યરત રાખવાની રહેશે. પ્રવેશ અને બહાર નીકળવાના સ્થળે વાહનની આગળ-પાછળની નંબર પ્લેટ તથા ચાલકનો ચહેરો સ્પષ્ટ દેખાય તે રીતે કેમેરા ગોઠવવાના રહેશે. CCTV ફૂટેજ ઓછામાં ઓછા 30 દિવસ સુધી સાચવી રાખવાનું રહેશે અને પોલીસ દ્વારા માંગવામાં આવે ત્યારે ઉપલબ્ધ કરાવવાનું રહેશે.
જાહેરનામાનો ભંગ કરનાર વાહન માલિક, ચાલક અથવા પેટ્રોલ પંપના માલિક-સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.










