પાકિસ્તાનની જેલોમાં બંધ ભારતીય માછીમારોની મુક્તિ માટે PM મોદીને આવેદન

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગીર સોમનાથ: પાકિસ્તાનની જેલોમાં બંધ ગુજરાતના ભારતીય માછીમારોને વહેલી તકે મુક્ત કરી સ્વદેશ પરત લાવવા તેમજ પાકિસ્તાની સત્તાવાળાઓ દ્વારા જપ્ત કરાયેલી માછીમારીની બોટો પરત મેળવવા માટે માંગ ઉઠી છે.

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી રસિક ચાવડા (આર.સી.) દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવેદનપત્ર પાઠવી આ મામલે તાત્કાલિક રાજદ્વારી અને કાનૂની કાર્યવાહી કરવાની રજૂઆત કરવામાં આવી છે.

આવેદન મુજબ પોરબંદર, વેરાવળ, માંગરોળ, ઉના, જાફરાબાદ, ઓખા અને દીવ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોના અનેક માછીમારો અજાણતા આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા ઓળંગી જતાં પાકિસ્તાની સત્તાવાળાઓ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવે છે. તેમની માછીમારીની બોટો પણ જપ્ત કરી લેવામાં આવે છે.

લાંબા સમયથી માછીમારો પાકિસ્તાનની જેલોમાં બંધ હોવાથી તેમના પરિવારજનોને આર્થિક મુશ્કેલીઓ અને માનસિક તકલીફોનો સામનો કરવો પડી રહ્યો હોવાનો આવેદનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરિવારના મુખ્ય કમાઉ સભ્ય જેલમાં હોવાથી રોજીરોટી પર પણ સીધી અસર પડી રહી છે.

માછીમારોને પૂરતો ખોરાક અને જરૂરી તબીબી સુવિધાઓ ન મળતી હોવાની ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી છે. આથી ભારતના વિદેશ મંત્રાલય દ્વારા પાકિસ્તાન સાથે રાજદ્વારી અને કાનૂની સ્તરે અસરકારક વાટાઘાટો કરી તમામ ભારતીય માછીમારોને વહેલી તકે પરત લાવવા માંગ કરવામાં આવી છે.

સાથે જ માછીમારોની આજીવિકાનું મુખ્ય સાધન એવી જપ્ત થયેલી માછીમારીની બોટો પણ પરત અપાવવા માટે યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ છે. આવેદનપત્રની નકલો રાજ્ય અને કેન્દ્ર સરકારના સંબંધિત મંત્રીઓ તેમજ સ્થાનિક સાંસદ અને ધારાસભ્યોને પણ મોકલવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai