સુરતના વરાછા વિસ્તારમાં રેસ્ટોરન્ટમાંથી લાવેલું શાક ખાધા બાદ એક જ પરિવારના પાંચ સભ્યોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. સારવાર દરમિયાન પરિવારની 5 વર્ષની બાળકી આર્યાનું મોત થયું છે, જ્યારે માતા-પિતા અને અન્ય બે દીકરીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
પરિવારના જણાવ્યા મુજબ 15 ઓગસ્ટે ઈશ્વરકૃપા વિસ્તારમાં આવેલી શીતલ રેસ્ટોરન્ટમાંથી શાક લાવવામાં આવ્યું હતું. રાત્રે પરિવારના સભ્યોએ સાથે ભોજન કર્યા બાદ લગભગ પાંચ કલાકમાં તમામની તબિયત લથડી હતી.
5 વર્ષની આર્યાને પેટમાં ભારે દુખાવો થયો હતો, જ્યારે અન્ય સભ્યોને ઝાડા-ઊલટીની ફરિયાદ થઈ હતી. સારવાર દરમિયાન આર્યાનું મોત થયું હોવાનું પરિવારજનોનું કહેવું છે. રિપોર્ટમાં ગંભીર ફૂડ પોઈઝનિંગની પુષ્ટિ થઈ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.
પરિવારે સમગ્ર મામલે તપાસ કરી રેસ્ટોરન્ટ સામે કડક કાર્યવાહી કરવાની અને જવાબદારો સામે પગલાં ભરવાની માંગ કરી છે.










