રાજકોટ ખાતે તાજેતરમાં ભવ્ય બિઝનેસ કોન્કલેવ-2026નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગુજરાત સરકારના શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજા અને બોલિવૂડ અભિનેતા ગુલશન ગ્રોવર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર સિદ્ધિ મેળવનાર સૌરાષ્ટ્રની પ્રતિષ્ઠિત વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
તબીબી ક્ષેત્રમાં છેલ્લા 40 વર્ષથી મળમાર્ગના રોગો જેવા કે હરસ, મસા, ભગંદર અને ફિશરની સારવાર કરીને લાખો દર્દીઓને રાહત આપનાર પ્રોક્ટોલોજિસ્ટ ડો. એમ.વી. વેકરીયાને વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું.
ડોક્ટર વેકરીયાએ પોતાના લાંબા તબીબી અનુભવ, યોગ્ય સારવાર અને માર્ગદર્શન દ્વારા અનેક દર્દીઓને સારવાર આપી છે. તેમણે અત્યાર સુધીમાં આશરે 32 હજાર જેટલા સફળ ઓપરેશન કર્યા હોવાનું જણાવાયું છે.
તબીબી ક્ષેત્રમાં તેમની લાંબા સમયની સેવા અને નોંધપાત્ર કામગીરીને બિરદાવતા તેમને ‘પ્રોમીનન્ટ પ્રોક્ટોલોજિસ્ટ ઓફ સૌરાષ્ટ્ર’ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
આ સન્માન ગુજરાત સરકારના શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજા અને જાણીતા અભિનેતા ગુલશન ગ્રોવરના હસ્તે આપવામાં આવ્યું હતું. ડો. એમ.વી. વેકરીયાને મળેલા આ સન્માન બદલ તબીબી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો અને શુભેચ્છકોએ અભિનંદન પાઠવ્યા હતા.










