રેસકોર્સ ગ્રાઉન્ડમાં પહેલીવાર વરસાદી પાણીના નિકાલ માટે અન્ડરગ્રાઉન્ડ પાઇપ ગટર નંખાશે
રાજકોટ : રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આગામી તા. 2થી પાંચ દિવસ માટે યોજાનારા સૌરાષ્ટ્રના લોકમેળાની તૈયારીઓ પુરજોશમાં શરૂ થઈ ગઈ છે. જિલ્લા કલેક્ટર તંત્ર અને લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા મુખ્ય સ્ટેજ, વોચ ટાવર, યાંત્રિક રાઈડ્સના પ્લોટ તેમજ રમકડાં અને ખાણીપીણીના સ્ટોલ ઉભા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
લોકમેળાને હવે માત્ર 12 દિવસ બાકી હોવાથી કલેક્ટર ડો. ઓમપ્રકાશના માર્ગદર્શન હેઠળ માઈક્રો પ્લાનિંગ સાથે તૈયારીઓ આગળ વધારવામાં આવી રહી છે. મેળાનું AI અને ડ્રોન મારફતે મોનિટરિંગ પણ કરવામાં આવશે. તા. 2ના બપોરે મુખ્યમંત્રી અથવા નાયબ મુખ્યમંત્રીના હસ્તે મેળાનું ઉદ્ઘાટન કરવાનું આયોજન છે. ઉદ્ઘાટન સમારોહમાં રાસ-ગરબા સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.
લોકમેળામાં દર વર્ષે વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોવાથી આ વખતે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પહેલીવાર રેસકોર્સ ગ્રાઉન્ડમાં વરસાદી પાણીના નિકાલ માટે અન્ડરગ્રાઉન્ડ પાઇપ ગટર નાખવામાં આવી રહી છે. આથી વરસાદ દરમિયાન મેળામાં આવતા લોકો અને વેપારીઓને પાણી ભરાવાની સમસ્યામાંથી રાહત મળવાની આશા છે.
મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોવાથી સુરક્ષા માટે 26 વોચ ટાવર, 1200 પોલીસ જવાનો અને 125 ખાનગી સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવશે. ઉપરાંત NDRFની ટીમ પણ હાજર રહેશે. લોકોની અવરજવર અને સુરક્ષા માટે ખાસ કોરીડોર બનાવવામાં આવશે.
વીજ પુરવઠા માટે 17 જેટલા 90 KVA, 15 જેટલા 5 KVA અને એક 50 KVA ટ્રાન્સફોર્મરની વ્યવસ્થા કરવામાં આવશે. વીજળી અંગેની ઈમરજન્સી સ્થિતિ માટે પોલીસ હેડક્વાર્ટરના ગેટ પાસે ખાસ કંટ્રોલ રૂમ કાર્યરત કરાશે અને 100થી વધુ વીજકર્મીઓ ફરજ પર રહેશે.
મેળામાં 17 સ્થળોએ ફ્રી પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. રસથાળ, અઘોરી ગ્રુપ અને રાજ ગઢવી સહિતના જાણીતા કલાકારો લોકોનું મનોરંજન કરશે. સાથે જ ઉભરતા કલાકારોને પણ પોતાની કલા રજૂ કરવા માટે સ્ટેજ આપવામાં આવશે.
મેળામાં રેવન્યુ વિભાગના 100 જેટલા કર્મચારીઓને ખાસ ફરજ સોંપવામાં આવી છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લોકમેળાનું નામ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.










