ભાવનગરમાં ઝેરી દારૂથી મોતની ઘટના બાદ અમદાવાદ ગ્રામ્ય પોલીસ એકશન મોડમાં આવી છે. શંકાસ્પદ દારૂનો જથ્થો અમદાવાદ ગ્રામ્યના માર્ગે ભાવનગર પહોંચ્યો હોવાની આશંકાને પગલે પોલીસે સમગ્ર જિલ્લામાં સઘન ચેકિંગ અને કોમ્બિંગ ઓપરેશન શરૂ કર્યું છે.
મંગળવારે મોડી રાતથી બુધવારે સવારે 8 વાગ્યા સુધી ચાલેલી કાર્યવાહીમાં 800 જેટલા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. પોલીસે દારૂ સંબંધિત 177 ગુના નોંધ્યા હોવાનું સામે આવ્યું છે.
પોલીસ દ્વારા અમદાવાદ ગ્રામ્યના 500થી વધુ ગામોમાં સર્ચ અને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. સ્થાનિક સરપંચો અને લોકો સાથે બેઠકો યોજીને દારૂના શંકાસ્પદ જથ્થા, સંગ્રહ અથવા હેરાફેરી અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.
પ્રાથમિક તપાસમાં શંકાસ્પદ દારૂ ‘રોયલ સ્ટેગ’ની બોટલોમાં સપ્લાય થયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પોલીસે લોકોને હાલ કોઈપણ અજાણ્યો દારૂ ન પીવાની અપીલ કરી છે. આવો દારૂ ખરીદ્યો કે પીધો હોય તો તાત્કાલિક પોલીસ અથવા તબીબી મદદ લેવાની સૂચના આપવામાં આવી છે.
દરમિયાન પોલીસની તપાસનો મુખ્ય ફોકસ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો, ક્યાં સંગ્રહિત થયો અને કયા રૂટ મારફતે ભાવનગર પહોંચ્યો તે શોધવા પર છે. બુટલેગરોની સપ્લાય ચેઈન તોડવા માટે જિલ્લાના વિવિધ માર્ગો અને સરહદી વિસ્તારોમાં નાકાબંધી પણ કડક કરવામાં આવી છે.
અમદાવાદ ગ્રામ્ય પોલીસનું સર્ચ અને કોમ્બિંગ ઓપરેશન હાલ પણ ચાલુ છે.










