ગુજરાત સરકારે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવા ઈચ્છતા બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે મોટી રાહત જાહેર કરી છે. રાજ્ય સરકારે ‘વિદેશ અભ્યાસ લોન યોજના’ હેઠળ કુટુંબની વાર્ષિક આવક મર્યાદા ₹6 લાખથી વધારીને ₹10 લાખ કરી છે.
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા 19 ઓગસ્ટ 2026ના રોજ બહાર પાડવામાં આવેલા ઠરાવ મુજબ, હવે વાર્ષિક ₹10 લાખ સુધીની કૌટુંબિક આવક ધરાવતા વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ મેળવી શકશે. અગાઉ આ મર્યાદા ₹6 લાખ હતી.
સરકારનો આ નિર્ણય વધુમાં વધુ બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે લોન સહાય ઉપલબ્ધ કરાવવાના હેતુથી લેવામાં આવ્યો છે.
વિકસતી જાતિ કલ્યાણના નિયામક દ્વારા 15 ઑક્ટોબર 2025ના રોજ આવક મર્યાદામાં વધારો કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી. સરકારની વિચારણા બાદ તેને મંજૂરી આપવામાં આવી છે.
નવા નિયમનો અમલ 18 ઑગસ્ટ 2026થી કરવામાં આવશે. જોકે, ‘વિદેશ અભ્યાસ લોન યોજના’ અંગેના અગાઉના ઠરાવોમાં રહેલી અન્ય તમામ શરતો અને જોગવાઈઓ યથાવત્ રહેશે.
સરકારના આ નિર્ણયથી હવે અગાઉની આવક મર્યાદાને કારણે યોજનાથી વંચિત રહી જતા અનેક વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે લોન સહાય મેળવવાની તક મળશે.










