અમદાવાદમાં નવા રોડની ‘કુંડળી’ હવે જાહેર થશે : બંને છેડે કોન્ટ્રાક્ટરની વિગતોવાળી તકતી ફરજિયાત

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

અમદાવાદમાં નવા બનતા રસ્તાઓની કામગીરીમાં પારદર્શિતા વધારવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે શહેરમાં બનતા દરેક નવા રોડના બંને છેડે પથ્થરની તકતી લગાવવી ફરજિયાત રહેશે. આ તકતીમાં રોડ બનાવનાર કોન્ટ્રાક્ટરથી લઈને કામગીરીની સમયમર્યાદા અને ગેરેન્ટી સુધીની સંપૂર્ણ માહિતી જાહેર કરવામાં આવશે.

અગાઉ રસ્તા પર કલરથી વિગતો લખવામાં આવતી હતી, પરંતુ થોડા સમય બાદ તે ભૂંસાઈ જતી હતી. હવે તેના બદલે પથ્થરની તકતીમાં વિગતો કોતરવામાં આવશે, જેથી લાંબા સમય સુધી માહિતી ઉપલબ્ધ રહે. આથી સામાન્ય નાગરિકોને પણ ખબર પડી શકશે કે રોડ કોણે બનાવ્યો, ક્યારે બનાવ્યો અને તેની ગેરેન્ટી કેટલી છે.

નવા નિયમના કારણે રોડની નબળી કામગીરી અથવા ભ્રષ્ટાચારની ફરિયાદોમાં જવાબદારી નક્કી કરવી પણ સરળ બનશે. રોડ પર નિયત તકતી લગાવવામાં નહીં આવે તો સંબંધિત કોન્ટ્રાક્ટરના બિલનું પેમેન્ટ અટકાવી દેવાની સૂચના આપવામાં આવી છે. ગેરેન્ટી પિરિયડ દરમિયાન રોડની ગુણવત્તા અને ખામીઓ અંગેની જવાબદારી પણ કોન્ટ્રાક્ટર પર રહેશે.

તકતીમાં શું-શું માહિતી હશે?

નિયમ મુજબ પથ્થરની તકતીમાં રોડની સંપૂર્ણ વિગતો સાથે ઝોન અને વોર્ડની માહિતી, કામ પૂર્ણ કરવાની નિર્ધારિત તારીખ, ગેરેન્ટી પિરિયડ, ડિફેક્ટ લાયબિલિટી પિરિયડ, કોન્ટ્રાક્ટરનું નામ અને મોબાઇલ નંબર તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ટોલ ફ્રી નંબર દર્શાવવો પડશે.

જો રોડની કામગીરી પૂર્ણ કરવાની સમયમર્યાદામાં ભવિષ્યમાં કોઈ ફેરફાર કરવામાં આવે તો તેની માહિતી દર્શાવતી સુધારાની અલગ તકતી પણ લગાવવી પડશે.

આ નિર્ણયથી રોડની કામગીરી અંગે જવાબદારી વધુ સ્પષ્ટ થશે અને કોન્ટ્રાક્ટર, ઈજનેર તથા સંબંધિત અધિકારીઓ પર કામની ગુણવત્તા જાળવવાનું દબાણ વધશે. શહેરમાં બનતા રસ્તાઓની ‘કુંડળી’ હવે રસ્તાના કિનારે જ જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai