રૂ.26.97 લાખના અંદાજ સામે કોન્ટ્રાક્ટરનો રૂ.31.55 લાખનો ભાવ; રૂ.4.58 લાખનો વધારાનો ખર્ચ, દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ
વડોદરા: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) દ્વારા સનફાર્મા રોડથી ભાયલી તરફ નવો બ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ બ્રિજના પાયાના બાંધકામમાં નડતરરૂપ બનતી પાણીની બે લાઇનો ખસેડવાની કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જોકે, આ કામગીરી માટે કોન્ટ્રાક્ટર દ્વારા રજૂ કરવામાં આવેલો ભાવ અંદાજિત ખર્ચ કરતાં 17 ટકા વધુ હોવાથી વધારાના ખર્ચનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે.
700 અને 500 એમએમની પાણીની લાઇન ખસેડાશે
બ્રિજ પ્રોજેક્ટ શાખા દ્વારા હાથ ધરવામાં આવી રહેલા આ પ્રોજેક્ટમાં બ્રિજના પાયાના બાંધકામ દરમિયાન અડચણરૂપ બનતી 700 એમએમ અને 500 એમએમ વ્યાસની પાણીની લાઇનોનું સ્થળાંતર કરવાનું જરૂરી બન્યું છે. આ માટે કોર્પોરેશન દ્વારા અંદાજિત રૂ.26,97,392ના ખર્ચે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.
જોકે, પ્રથમ બે વખત ટેન્ડર પ્રક્રિયામાં સફળતા મળી નહોતી. ત્યારબાદ ત્રીજા પ્રયાસમાં બે ઇજારદારોએ કામ કરવામાં રસ દાખવ્યો હતો. તેમાંથી ભાવેશકુમાર આર. પંડ્યાએ રૂ.31,55,949નો ભાવ રજૂ કર્યો હતો. આ રકમ કોર્પોરેશનના અંદાજિત ખર્ચ કરતાં રૂ.4,58,557 વધુ છે.
બજારભાવની સરખામણીમાં ભાવ 1.92 ટકા વધુ
ટેન્ડરમાં રજૂ થયેલો ભાવ અંદાજિત રકમ કરતાં 17 ટકા વધારે હોવા છતાં બજારભાવ અને સ્ટાન્ડર્ડ શેડ્યૂલ ઓફ રેટ્સ (S.O.R.)ની સરખામણીમાં કોન્ટ્રાક્ટરનો ભાવ માત્ર 1.92 ટકા વધુ હોવાનું દરખાસ્તમાં જણાવાયું છે. આ આધારે રજૂ થયેલા ભાવને વ્યાજબી ગણાવીને દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે.
મંજૂરી માટે સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત
પાણીની લાઇનોનું સ્થળાંતર બ્રિજના બાંધકામ માટે જરૂરી હોવાથી કોર્પોરેશન દ્વારા આ કામગીરી આગળ વધારવાની તૈયારી કરવામાં આવી છે. કોન્ટ્રાક્ટરના ભાવ અને વધારાના ખર્ચ અંગેની દરખાસ્ત હવે મંજૂરી માટે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે. સમિતિની મંજૂરી બાદ પાણીની લાઇનો ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ કામગીરી પૂર્ણ થયા બાદ સનફાર્મા રોડથી ભાયલી તરફના નવા બ્રિજના બાંધકામમાં આવતી અડચણ દૂર થઈ શકશે.









