12થી 14 મહિનામાં વિઝા અપાવવાની ખાતરી આપી એજન્ટે યુવક અને તેના પિતા પાસેથી લીધા નાણાં; પરત આપેલા બંને ચેક બાઉન્સ થતાં પોલીસ ફરિયાદ
અમદાવાદ: વિદેશ જવાની ઇચ્છા ધરાવતા યુવાનોને નિશાન બનાવીને છેતરપિંડી કરવાના બનાવો સામે આવી રહ્યા છે, ત્યારે અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા 26 વર્ષીય યુવક સાથે કેનેડાના વર્ક વિઝા અપાવવાના બહાને રૂ.16.52 લાખની છેતરપિંડી થયાની ઘટના સામે આવી છે. નહેરુનગર સ્થિત એક ટ્રાવેલ એજન્સીના ડિરેક્ટરે 12થી 14 મહિનામાં વર્ક વિઝા અપાવવાની ખાતરી આપી યુવક અને તેના પિતા પાસેથી તબક્કાવાર નાણાં લીધા હતા. જોકે, નિર્ધારિત સમયમર્યાદા વીતી જવા છતાં વિઝા ન મળતાં યુવકે પોતાના રૂપિયા પરત માગ્યા હતા. એજન્ટે આપેલા બંને ચેક બેંકમાં બાઉન્સ થતાં આખરે યુવકે પોલીસનો સંપર્ક કર્યો હતો.
કેનેડાના વિઝા માટે રૂ.23.60 લાખનો ખર્ચ થશે તેમ જણાવ્યું
ફરિયાદ મુજબ, સેટેલાઇટ વિસ્તારમાં રહેતા અને ફાર્મા કંપનીમાં નોકરી કરતા 26 વર્ષીય મયુર મકવાણાને કેનેડાના વર્ક વિઝા મેળવવાના હતા. આ માટે વર્ષ 2022માં તેમણે અને તેમના પિતાએ નહેરુનગર સ્થિત ડ્રીમ વર્લ્ડ હોલીડેઝના ડિરેક્ટર તપન જોષીનો સંપર્ક કર્યો હતો.
તપન જોષીએ 12થી 14 મહિનામાં કેનેડાના વર્ક વિઝા અપાવી આપવાની ખાતરી આપી હતી. આ સમગ્ર પ્રક્રિયા માટે આશરે રૂ.23.60 લાખનો ખર્ચ થશે તેમ જણાવી કામ નહીં થાય તો ચૂકવેલા રૂપિયા પરત આપવાની બાંહેધરી પણ આપી હતી. ત્યારબાદ બંને પક્ષો વચ્ચે MOU કરવામાં આવ્યો હતો.
તબક્કાવાર કુલ રૂ.16.52 લાખ ચૂકવ્યા
ફરિયાદમાં જણાવ્યા મુજબ, કરાર બાદ 7 ઓક્ટોબર 2022ના રોજ રૂ.7.44 લાખ અને 10 ઓક્ટોબર 2022ના રોજ રૂ.2 લાખના ચેક આપવામાં આવ્યા હતા. ત્યારબાદ એજન્ટે LMIA લેટર આવી ગયાનું જણાવી વધુ નાણાંની માગણી કરી હતી. તેના આધારે રૂ.58 હજાર અને રૂ.6.50 લાખના ચેક પણ આપવામાં આવ્યા હતા.
આમ, મયુર અને તેમના પિતાએ અલગ-અલગ તબક્કે પોતાના બેંક ખાતાં મારફતે કુલ રૂ.16,52,000 ચૂકવ્યા હતા. નાણાં ચૂકવ્યા બાદ યુવક વિઝા પ્રક્રિયા પૂર્ણ થવાની રાહ જોતો રહ્યો હતો, પરંતુ લાંબા સમય સુધી વિઝા અંગે કોઈ સ્પષ્ટ પરિણામ મળ્યું નહોતું.
રૂપિયા પરત આપવાના બંને ચેક બાઉન્સ થયા
નિર્ધારિત 12થી 14 મહિનાની સમયમર્યાદા વીતી ગયા બાદ પણ વિઝા ન મળતાં મયુરે એજન્ટનો સંપર્ક કરીને પોતાના રૂપિયા પરત માગ્યા હતા. કરાર મુજબ નાણાં પરત આપવાની જવાબદારી સ્વીકારતાં એજન્ટે 23 જુલાઈ 2024ના રોજ રૂ.16.52 લાખનો ચેક આપ્યો હતો. જોકે, આ ચેક બેંકમાં જમા કરાવતાં બાઉન્સ થયો હતો.
ત્યારબાદ પણ એજન્ટે નાણાં પરત આપવાના બહાના કર્યા હતા. અંતે 5 એપ્રિલ 2025ના રોજ GSTની રકમ કાપીને રૂ.14 લાખનો બીજો ચેક આપ્યો હતો. પરંતુ આ ચેક પણ બેંકમાં બાઉન્સ થયો હતો. વારંવાર સંપર્ક કરવા અને નાણાંની ઉઘરાણી કરવા છતાં એજન્ટ તરફથી યોગ્ય જવાબ મળ્યો નહોતો. ત્યારબાદ તેણે ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું.
એજન્ટ તપન જોષી સામે પોલીસ ફરિયાદ
કેનેડાના વર્ક વિઝા અપાવવાની ખાતરી આપીને રૂ.16.52 લાખ મેળવવા અને ત્યારબાદ નાણાં પરત આપવાના બંને ચેક બાઉન્સ થવાના બનાવને પગલે મયુર મકવાણાએ તપન જોષી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. વિઝા પ્રક્રિયા માટે ખરેખર કઈ કાર્યવાહી કરવામાં આવી હતી, LMIA લેટર અંગે કરવામાં આવેલો દાવો કેટલો સાચો હતો અને આ મામલે અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે સહિતની વિગતો તપાસનો વિષય બની છે.
આ ઘટનાએ વિદેશમાં નોકરી અને વર્ક વિઝાની લાલચ આપતા એજન્ટો મારફતે થતી છેતરપિંડી સામે ફરી સાવચેત રહેવાની જરૂરિયાત ઊભી કરી છે. વિદેશ જવા ઇચ્છતા લોકોએ કોઈપણ એજન્ટને મોટી રકમ ચૂકવતાં પહેલાં તેની વિશ્વસનીયતા, જરૂરી લાઇસન્સ અને કરારની શરતોની યોગ્ય તપાસ કરવી જરૂરી છે.









