અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામે હેતની હવેલી નજીક ગાગડીયો નદીના કાંઠે નિર્માણ પામેલા ‘ગુજરાત ગૌરવ સરોવર’નું કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા નિર્માણ કરાયેલા આ સરોવરનો મુખ્ય હેતુ વરસાદી પાણીનો સંગ્રહ, જળસંચય અને જળસંવર્ધન કરવાનો છે.
અમિત શાહ આજે સવારે આશરે 10 વાગ્યે દુધાળા હેલિપેડ પર પહોંચ્યા હતા. ત્યારબાદ માર્ગમાં સ્થાનિક લોકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ સ્થળે પહોંચ્યા બાદ તેમણે ગુજરાત ગૌરવ સરોવરનું લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ સભા મંડપમાં યોજાયેલી જાહેરસભાને સંબોધન કર્યું હતું. બપોરે બે વાગ્યા બાદ તેઓ અમદાવાદ જવા રવાના થયા હતા.
70થી વધુ ગામોના ખેડૂતોને લાભ
અર્ધશુષ્ક સૌરાષ્ટ્રમાં વરસાદી પાણીના સંગ્રહ અને તેના ઉપયોગની દૃષ્ટિએ આ પ્રકલ્પને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. જળસંચયની કામગીરીના કારણે આસપાસના 70થી વધુ ગામોના ખેડૂતોને સીધો લાભ મળ્યો હોવાનું જણાવાયું છે. ભૂગર્ભ જળસ્તરમાં સુધારો થતાં ખેતી માટે પાણીની ઉપલબ્ધતા વધી છે અને ખેડૂતોને ખેતી કરવામાં સરળતા થઈ છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ પાણીની ઉપલબ્ધતામાં સુધારો થતાં આસપાસના વિસ્તારોમાં ખેતી વધુ મજબૂત બની છે. પાણીની સુવિધા વધવાથી જમીનના ભાવમાં પણ ધીમે ધીમે વધારો થયો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.
80 હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં સરોવર
દુધાળા ગામ નજીક ગાગડીયો નદીના કાંઠે ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા આશરે 80 હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં ગુજરાત ગૌરવ સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે. જળસંચય અને જળસંવર્ધનને કેન્દ્રમાં રાખીને તૈયાર કરાયેલા આ પ્રકલ્પથી વરસાદી પાણીનો સંગ્રહ કરી તેનો ખેતી સહિત વિવિધ ઉપયોગ માટે લાભ લઈ શકાય તેવો હેતુ રાખવામાં આવ્યો છે.
સરોવર લોકાર્પણ કાર્યક્રમને લઈને સ્થાનિક આગેવાનો, કાર્યકરો અને ગ્રામજનો દ્વારા અગાઉથી તૈયારીઓ કરવામાં આવી હતી. પ્રકલ્પને કારણે સૌરાષ્ટ્રના આ અર્ધશુષ્ક વિસ્તારમાં જળસંગ્રહની ક્ષમતા વધવાની સાથે આસપાસના ખેડૂતોને લાંબા ગાળે લાભ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.










