રાજકોટમાં સાયબર ઠગોએ 75 વર્ષીય વૃદ્ધાને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી તરીકે ઓળખ આપી ‘ડિજિટલ અરેસ્ટ’ કરીને રૂ.55.50 લાખ પડાવી લેતાં ચકચાર મચી છે. શાસ્ત્રી મેદાન સામે ગૌતમ બુદ્ધ એપાર્ટમેન્ટમાં રહેતા વૃદ્ધ દંપતીને સાયબર આતંકવાદ જેવા ગંભીર ગુનામાં ફસાવવાની ધમકી આપી ઠગોએ એક અઠવાડિયા સુધી ભયભીત રાખ્યા હતા. જોકે, વધુ રૂ.41 લાખની માંગણી થતાં મુંબઈ રહેતી પુત્રીને જાણ કરાઈ હતી અને પુત્રીએ તાત્કાલિક રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક કરતાં વૃદ્ધ દંપતી વધુ મોટી છેતરપિંડીનો ભોગ બનતા બચી ગયું હતું.
પોલીસ ઘરે પહોંચી, રૂ.41 લાખ બચાવ્યા
ગીતાબેન ભુપતરાય ભાયાણી (ઉં.વ.75)એ સમગ્ર બનાવ અંગે રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, 18 ઓગસ્ટે તેમને વોટ્સએપ કોલ આવ્યો હતો. સામેવાળાઓએ પોતે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ અધિકારી હોવાનું ખોટું કહી તેમને સાયબર આતંકવાદ સહિતના ગંભીર ગુનામાં સંડોવાયેલા હોવાનો ભય બતાવ્યો હતો. ત્યારબાદ તેમને ‘ડિજિટલ અરેસ્ટ’માં હોવાનું જણાવી સતત માનસિક દબાણ હેઠળ રાખવામાં આવ્યા હતા.
ઠગોએ વોટ્સએપ મારફતે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નામે બનાવટી દસ્તાવેજો મોકલી વૃદ્ધાનો વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ અલગ-અલગ બેંક ખાતામાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરાવી કુલ રૂ.55.50 લાખ પડાવી લીધા હતા. આ રકમ દંપતીની લાંબા સમયની બચત અને મરણમૂડી હોવાનું સામે આવ્યું છે.
વધુ રૂ.41 લાખની માંગ થતાં પુત્રીને શંકા ગઈ
રૂ.55.50 લાખ પડાવી લીધા બાદ પણ સાયબર ઠગોએ વધુ રૂ.41 લાખની માંગણી કરી હતી. આટલી મોટી રકમની વ્યવસ્થા કરવા વૃદ્ધ દંપતીએ પોતાની FD તોડાવવાનો નિર્ણય લીધો હતો અને આ અંગે મુંબઈ રહેતી પુત્રીને જાણ કરી હતી. પુત્રીને સમગ્ર મામલો શંકાસ્પદ લાગતાં તેણે તાત્કાલિક રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક કર્યો હતો.
માહિતી મળતાં જ સાયબર ક્રાઈમની ટીમ વૃદ્ધ દંપતીના ઘરે પહોંચી હતી. પોલીસે તેમની સાથે વાતચીત કરીને સમગ્ર હકીકત સમજાવી અને ‘ડિજિટલ અરેસ્ટ’માંથી મુક્ત કરાવ્યા હતા. સાથે જ કાઉન્સેલિંગ કરીને વધુ રૂ.41 લાખ સાયબર ઠગોના ખાતામાં ટ્રાન્સફર થતાં અટકાવ્યા હતા.
બેંક ખાતાની તપાસ શરૂ, આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી
બનાવ અંગે સાયબર ક્રાઈમ પોલીસે અજાણ્યા મોબાઈલ નંબર તથા બેંક ખાતાધારકો સામે IT Act સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા જે બેંક ખાતામાં રૂ.55.50 લાખની રકમ ટ્રાન્સફર થઈ છે તેની વિગતો મેળવવા તેમજ સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા તપાસ હાથ ધરવામાં આવી છે.
વૃદ્ધ દંપતીને વધુ રૂ.41 લાખની છેતરપિંડીથી બચાવવાની કામગીરીમાં સાયબર ક્રાઈમ PI એસ.ડી. ફુલતરીયા, પી.આર. ડોબરીયા, એમ.ડી. ગઢવી સહિતની ટીમે મહત્વની કામગીરી કરી હતી. હવે પોલીસ દ્વારા સાયબર માફિયાઓને ઝડપી પાડવા માટે તપાસ અને ટેકનિકલ સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે.










