વાંસજાળિયા-રાણાવાવ રેલવે ખંડમાં 27 ઓગસ્ટની વહેલી સવારે ઊંટ રેલવે ટ્રેક પર આવી જતા રેલવે તંત્રમાં દોડધામ મચી હતી. જોકે લોકોપાઇલટની સતર્કતા અને તાત્કાલિક કાર્યવાહીથી સંભવિત મોટો અકસ્માત ટળી ગયો હતો. વાંસજાળિયા નજીક બ્રિજ નંબર 95 પર ટ્રેન નંબર 19015 દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ પસાર થઈ રહી હતી ત્યારે લોકોપાઇલટ કાલિદાસ અને સહાયક લોકોપાઇલટ જગદીશ સાહુએ ટ્રેકની વચ્ચે ઊંટ બેઠેલો જોયો હતો.
ઘટના આશરે સવારે 4:30 વાગ્યે બની હતી. ઊંટને ટ્રેક પર જોઈ બંને લોકોપાઇલટે તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવી ટ્રેનને સુરક્ષિત અંતરે રોકી દીધી હતી. ત્યારબાદ સહાયક લોકોપાઇલટે સ્થળ પર જઈ તપાસ કરતાં ઊંટ બ્રિજના ભાગમાં ફસાયેલો હોવાનું જાણવા મળ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ ટ્રેન મેનેજર એસ.પી. મીણા, રેલવે કંટ્રોલ અને વાંસજાળિયા સ્ટેશન સુપરિન્ટેન્ડન્ટને કરવામાં આવી હતી.
ક્રેનની મદદથી ઊંટનું રેસ્ક્યુ
મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માના નિર્દેશ હેઠળ રેલવે અધિકારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જરૂરી સાધનો સાથે ક્રેનની મદદથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સતત પ્રયાસો બાદ આશરે સવારે 8:45 વાગ્યે ઊંટને સુરક્ષિત રીતે ટ્રેક પરથી દૂર કરી ટ્રેક ક્લિયર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ રેલવે ટ્રાફિક પુનઃ શરૂ કરવામાં આવ્યો હતો.
રેસ્ક્યુ દરમિયાન સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી હતી. અધિકારીઓ અને કર્મચારીઓના સંકલન અને ત્વરિત કામગીરીને કારણે ઊંટને પણ સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો અને મોટો અકસ્માત ટળી ગયો હતો.
બે પેસેન્જર ટ્રેન રદ, અનેક ટ્રેનો મોડી
ઊંટને ટ્રેક પરથી દૂર કરવાની કામગીરીને કારણે રેલવે વ્યવહારને અસર થઈ હતી. સુરક્ષાના કારણોસર ટ્રેન નંબર 59214 પોરબંદર-ભાણવડ અને 59213 ભાણવડ-પોરબંદર પેસેન્જર ટ્રેન સંપૂર્ણપણે રદ કરવામાં આવી હતી.
આ ઉપરાંત 19015 દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 4 કલાક 32 મિનિટ, 19207 પોરબંદર-રાજકોટ 3 કલાક 15 મિનિટ, 12905 પોરબંદર-શાલીમાર 55 મિનિટ અને 59557 પોરબંદર-ભાવનગર 2 કલાક 43 મિનિટ મોડી દોડી હતી.
મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ લોકોપાઇલટ અને સહાયક લોકોપાઇલટની સતર્કતા તેમજ રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયેલા અધિકારીઓ અને કર્મચારીઓની ઝડપી કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા. ઘટનાએ ફરી એકવાર રેલવે ટ્રેકની સુરક્ષા અને લોકોપાઇલટની સતર્કતાનું મહત્વ સ્પષ્ટ કર્યું છે.










