સિલ્વર પાર્ક સોસાયટીમાં પાર્ક કરાયેલા વાહનમાંથી રૂ.8.21 લાખનો દારૂ મળી આવ્યો; કુલ રૂ.11.21 લાખનો મુદ્દામાલ કબજે
મોરબી: મોરબીમાં દારૂની હેરાફેરી સામે એલસીબીની ટીમે કાર્યવાહી કરી જુના ઘૂટું રોડ પર આવેલી સિલ્વર પાર્ક સોસાયટી પાસેથી દારૂ ભરેલું સુપરકેરી માલવાહક વાહન ઝડપી પાડ્યું છે. પોલીસને બાતમી મળી હતી કે સોસાયટી પાસે પાર્ક કરાયેલા વાહનમાં દારૂનો જથ્થો ભરેલો છે અને તેને સગેવગે કરવાની તૈયારી ચાલી રહી છે.
મળેલી ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટીમે સ્થળ પર પહોંચી જીજે-36-વી-5715 નંબરના સુપરકેરી વાહનની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન વાહનમાંથી અલગ-અલગ બ્રાન્ડની કુલ 1,092 બોટલ દારૂ મળી આવી હતી.
પોલીસે દારૂનો જથ્થો, જેની કિંમત રૂ.8,21,292 હોવાનું જણાવાયું છે, તેમજ આશરે રૂ.3 લાખની કિંમતનું સુપરકેરી વાહન કબજે કર્યું છે. આમ પોલીસે કુલ રૂ.11,21,292નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
દરમિયાન વાહન સ્થળ પર રેઢું મૂકીને ફરાર થઈ ગયેલા શખ્સની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ઉપરાંત દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને કોને પહોંચાડવાનો હતો તે સહિતની દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ દરમિયાન અન્ય કોઈના નામ સામે આવશે તો તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ફરાર આરોપીને ઝડપી પાડવા પોલીસની ટીમોએ તપાસ તેજ કરી છે.
આ સમગ્ર કામગીરી મોરબી જિલ્લા એલસીબીના પીઆઈ એસ.પી. જાડેજાની સૂચના મુજબ એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.










