લાલબત્તી : ડુપ્લીકેટ તમાકુના નામે લોકોના આરોગ્ય સાથે ચેડાં, લાતી પ્લોટમાંથી ફેક્ટરી ઝડપાઈ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

રાજકોટમાં પાન-મસાલા અને તમાકુના શોખીનો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. શહેરના લાતી પ્લોટ વિસ્તારમાં એસઓજીની ટીમે દરોડો પાડી ડુપ્લીકેટ તમાકુ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે. પોલીસે ગેરકાયદેસર રીતે તમાકુનું ઉત્પાદન કરી બજારમાં વેચાણ કરતા બે સગા ભાઈઓની ધરપકડ કરી છે. ગોડાઉનમાંથી ગોલ્ડ, બ્લેક અને સિલ્વર કલરના તમાકુના પેકેટો ઉપરાંત ખુલ્લું તમાકુ, સુગંધિત દ્રવ્યો, પેરાફીન ઓઈલ, લાઈટ લિક્વિડ, કથ્થઈ પાઉડર તથા તમાકુ તૈયાર કરવા માટેની મશીનરી સહિતનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, એડિશનલ સીપી ચૈતન્ય માંડલીક, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા અને એસીપી ક્રાઈમ ભરત બસિયાની સૂચનાથી એસઓજી પીઆઈ એન.બી. ચૌધરીની રાહબરીમાં ટીમને બાતમી મળી હતી કે, કુવાડવા રોડ પર લાતી પ્લોટ શેરી નં. 11માં ચૌહાણ વાડી નજીક આવેલા ‘હીરેન પરફ્યુમરી વર્કસ’ નામના ગોડાઉનમાં હિરેન કાંતીલાલ સોનેજી અને રાજુ કાંતીલાલ સોનેજી નામના બે ભાઈઓ ડુપ્લીકેટ તમાકુનું ગેરકાયદેસર ઉત્પાદન કરી રહ્યા છે. આ તમાકુ રાજકોટના અલગ-અલગ વેપારીઓને છૂટકમાં વેચવામાં આવતું હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો.

દરોડા દરમિયાન બંને ભાઈઓ ગોડાઉનમાં ડુપ્લીકેટ તમાકુનું ઉત્પાદન કરી વેચાણ કરવાના હેતુસર હાજર મળી આવ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ, તેમની પાસે તમાકુના ઉત્પાદન માટે કોઈ આધારભૂત દસ્તાવેજો કે ફૂડ સંબંધિત જરૂરી લાયસન્સ ન હોવાનું પણ સામે આવ્યું હતું. પોલીસે બંનેની ધરપકડ કરી ગોડાઉનમાંથી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ગેરકાયદેસર ફેક્ટરીને સીલ કરી હતી.

પોલીસે ગોલ્ડ અને બ્લેક કલરના 500 ગ્રામના પ્લાસ્ટિક પેકેટો, સિલ્વર કલરના 200 અને 500 ગ્રામના તમાકુના પેકેટો, અલગ-અલગ સાઈઝની લાલ તથા સફેદ રંગની ખાલી ડબ્બીઓ, આશરે 40 કિલો ખુલ્લું તમાકુ, સિલ્વર વરખ ધરાવતું તમાકુ, આશરે 150 લીટર લાઈટ લિક્વિડ તથા પેરાફીન ઓઈલ, સુગંધિત પ્રવાહી ભરેલા એલ્યુમિનિયમના કેન, તમાકુ તૈયાર કરવા માટેના બે ગ્રાઇન્ડર મશીન અને ઇલેક્ટ્રિક મોટરવાળા સાધનો, કથ્થઈ રંગનો પાઉડર તેમજ ‘હિરામોતી’ લખેલા પતરાના ખાલી ડબ્બા કબજે કર્યા હતા.

કાચું તમાકુ રૂ.400માં ખરીદી ઓરિજિનલ ટેસ્ટ આપીને સસ્તા ભાવે વેચાણ

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, બંને ભાઈઓ વર્ષ 2022થી પાન-મસાલાના હોલસેલના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તપાસમાં સામે આવ્યું છે કે, તેઓ જેતપુરના ઈમ્તિયાઝ નામના શખ્સ પાસેથી કાચું અને ડુપ્લીકેટ તમાકુ આશરે રૂ.400 પ્રતિ કિલોના ભાવે મેળવતા હતા. ત્યારબાદ લાતી પ્લોટના ગોડાઉનમાં આ તમાકુમાં અલગ-અલગ પ્રકારના સુગંધિત દ્રવ્યો અને અન્ય સામગ્રી ભેળવી તેને જાણીતી બ્રાન્ડના તમાકુ જેવો સ્વાદ અને સુગંધ આપવાનો પ્રયાસ કરતા હતા.

બાગબાન 135, 300 સહિતના જાણીતા તમાકુ જેવો ટેસ્ટ લાવવા માટે પરફ્યુમ અને અન્ય દ્રવ્યોનો ઉપયોગ કરવામાં આવતો હોવાની માહિતી પોલીસ તપાસમાં બહાર આવી છે. તૈયાર કરાયેલા આ તમાકુને ઓરિજિનલ તમાકુ કરતાં ઓછા ભાવે બજારમાં વેચવામાં આવતો હતો. ઓછી કિંમતમાં ‘ઓરિજિનલ’ જેવો સ્વાદ આપીને ગ્રાહકોને આકર્ષી બંને ભાઈઓ ધીકતો ગેરકાયદેસર ધંધો કરતા હોવાનો પોલીસનો દાવો છે.

આ સમગ્ર મામલે પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગોડાઉનને સીલ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. તમાકુમાં કયા પ્રકારના દ્રવ્યો અને પદાર્થોનો ઉપયોગ કરવામાં આવતો હતો તથા આ ડુપ્લીકેટ તમાકુ રાજકોટમાં કયા-કયા વેપારીઓ સુધી પહોંચાડવામાં આવતું હતું તે સહિતની વિગતો મેળવવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai