પોરબંદરની કોર્ટનો હુકમ યથાવત્, મારુતિ એન્ટરપ્રાઇઝને 6 ટકા વાર્ષિક વ્યાજ સાથે રૂ.10 લાખ પરત ચૂકવવાનો આદેશ
અમદાવાદ: હિન્દી ફિલ્મ **‘એક હિન્દુસ્તાની’**ના સૌરાષ્ટ્ર રિજનના ડિસ્ટ્રીબ્યુશન રાઇટ્સ મેળવવા માટે ચૂકવવામાં આવેલા રૂ.10 લાખ પરત મેળવવાના કેસમાં ગુજરાત હાઇકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટે શિવાની ફિલ્મ્સ દ્વારા કરવામાં આવેલી પ્રથમ અપીલ ફગાવી દીધી છે અને પોરબંદરની પ્રિન્સિપાલ સિનિયર સિવિલ કોર્ટનો ચુકાદો યથાવત્ રાખ્યો છે.
જસ્ટિસ જે.સી. દોષીની કોર્ટના આ ચુકાદા બાદ શિવાની ફિલ્મ્સે મારુતિ એન્ટરપ્રાઇઝના પ્રોપ્રાઇટર વિજયકુમાર દેવાભાઇ ઓડેદરાને રૂ.10 લાખની રકમ વાર્ષિક 6 ટકા વ્યાજ સાથે પરત ચૂકવવી પડશે.
ચાર હપ્તામાં ચૂકવ્યા હતા રૂ.10 લાખ
કેસની વિગતો મુજબ પોરબંદર અને ધોરાજીમાં ફિલ્મ વિતરણનો વ્યવસાય કરતા મારુતિ એન્ટરપ્રાઇઝે વર્ષ 2003માં શિવાની ફિલ્મ્સ અને તેના ભાગીદાર જીતુભાઇ કે. શાહ સાથે ‘એક હિન્દુસ્તાની’ ફિલ્મના સૌરાષ્ટ્ર રિજનના વિતરણ માટે કરાર કર્યો હતો.
કરાર અંતર્ગત મારુતિ એન્ટરપ્રાઇઝે રૂ.2.50 લાખના ચાર હપ્તામાં કુલ રૂ.10 લાખ એડવાન્સ તરીકે ચૂકવ્યા હતા. આ રકમ ચૂકવવામાં આવી હોવાની પહોંચ પણ લેવામાં આવી હતી.
જોકે, કરાર થયા બાદ શિવાની ફિલ્મ્સ દ્વારા ફિલ્મની પ્રિન્ટ કે રીલ આપવામાં આવી નહોતી. ત્યારબાદ ફેબ્રુઆરી 2006માં પોરબંદરના ડ્રીમલેન્ડ સિનેમા ખાતે યોજાયેલી બેઠકમાં પણ ફિલ્મ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો.
પૈસા પરત ન મળતાં કોર્ટમાં પહોંચ્યા
ફિલ્મની પ્રિન્ટ કે રીલ ન મળતાં અને ચૂકવેલા પૈસા પણ પરત ન મળતાં મારુતિ એન્ટરપ્રાઇઝે પોરબંદરની કોર્ટમાં રૂ.10 લાખ તથા વ્યાજની રકમ પરત મેળવવા સ્પેશિયલ સિવિલ સુટ દાખલ કર્યો હતો.
આ કેસમાં પોરબંદરની પ્રિન્સિપાલ સિનિયર સિવિલ કોર્ટે વર્ષ 2012માં મારુતિ એન્ટરપ્રાઇઝની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને રકમ વ્યાજ સાથે પરત ચૂકવવાનો આદેશ કર્યો હતો.
શિવાની ફિલ્મ્સે ક્ષેત્રાધિકારનો મુદ્દો ઉઠાવ્યો
નીચલી કોર્ટના ચુકાદા સામે શિવાની ફિલ્મ્સે ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરી હતી. કંપની તરફથી મુખ્ય દલીલ કરવામાં આવી હતી કે કરારની શરત નંબર 18 મુજબ કોઈપણ વિવાદના કિસ્સામાં માત્ર મુંબઈની કોર્ટને જ ક્ષેત્રાધિકાર આપવામાં આવ્યો હતો. તેથી પોરબંદરની કોર્ટ દ્વારા કેસની સુનાવણી અને આપવામાં આવેલો હુકમ કાયદેસર રીતે માન્ય ન ગણાય તેવી દલીલ કરવામાં આવી હતી.
સામા પક્ષે દલીલ કરવામાં આવી હતી કે નાણાંની લેવડદેવડ તથા રકમ પરત ન કરવાની ઘટના પોરબંદરમાં બની હોવાથી CPCની કલમ 20(c) મુજબ પોરબંદરની કોર્ટને કેસ ચલાવવાનો અધિકાર હતો.
વધુમાં એવી પણ દલીલ કરવામાં આવી હતી કે CPCની કલમ 21(1) મુજબ ક્ષેત્રાધિકાર અંગેનો વાંધો કેસની શરૂઆતમાં જ ઉઠાવવો જરૂરી છે. અપીલના તબક્કે પ્રથમ વખત આ પ્રકારનો વાંધો ઉઠાવી શકાય નહીં.
હાઇકોર્ટે શું કહ્યું?
હાઇકોર્ટે બંને પક્ષોની દલીલો તેમજ સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓને ધ્યાનમાં લીધા હતા. કોર્ટના નિરીક્ષણ મુજબ શિવાની ફિલ્મ્સ નીચલી કોર્ટમાં કેસની શરૂઆતના તબક્કે ક્ષેત્રાધિકાર અંગેનો સ્પષ્ટ વાંધો ઉઠાવવામાં અથવા તે અંગે જરૂરી પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહી હતી.
આ ઉપરાંત પોરબંદરની કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો હોવાના કારણે શિવાની ફિલ્મ્સને કોઈ વાસ્તવિક અન્યાય થયો હોવાનું પણ સાબિત થયું ન હતું.
કોર્ટના મતે કરાર હેઠળ રૂ.10 લાખ મેળવ્યા બાદ ફિલ્મની પ્રિન્ટ કે રીલ ન આપવાથી કરારની શરતોનો ભંગ થયો હતો. તેથી શિવાની ફિલ્મ્સે પ્રાપ્ત કરેલી રકમ પરત કરવાની કાયદેસરની જવાબદારી રહે છે.
આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઇકોર્ટે શિવાની ફિલ્મ્સની અપીલ ફગાવી દીધી અને પોરબંદરની નીચલી કોર્ટનો ચુકાદો યથાવત્ રાખ્યો છે. પરિણામે મારુતિ એન્ટરપ્રાઇઝને રૂ.10 લાખની રકમ 6 ટકા વાર્ષિક વ્યાજ સાથે પરત ચૂકવવાનો આદેશ અમલમાં રહેશે.










