ગુજરાતમાં ‘રિફોર્મ ઉત્સવ’ ઉજવાશે, જન સૂચનોના આધારે થશે વહીવટી સુધારા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

2 ઓક્ટોબરથી 25 ડિસેમ્બર સુધી અભિયાન; પંચાયતથી રાજ્ય કક્ષા સુધી નાગરિકોની સીધી ભાગીદારી, સૂચનોને અમલપાત્ર સુધારામાં ફેરવાશે

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાગરિક ભાગીદારી આધારિત સુશાસનના વિચારને સાકાર કરવાની દિશામાં ગુજરાત સરકારે મહત્વની પહેલ કરી છે. ભારત સરકારની પહેલ સાથે ગુજરાતમાં પણ 2 ઓક્ટોબર, ગાંધી જયંતીથી 25 ડિસેમ્બર, અટલ બિહારી વાજપેયી જયંતી સુધી ‘રિફોર્મ ઉત્સવ’ ઉજવવામાં આવશે.

આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ નાગરિકો તરફથી મળતી રજૂઆતો અને સૂચનોમાંથી વ્યવસ્થામાં જરૂરી પદ્ધતિગત સુધારા ઓળખવા, તેનું વર્ગીકરણ કરવા અને સમયબદ્ધ રીતે અમલમાં મૂકવાનો છે. આવા સુધારા માત્ર વ્યક્તિગત ફરિયાદનું નિરાકરણ નહીં કરે, પરંતુ સમગ્ર વહીવટી વ્યવસ્થામાં વ્યાપક અસર ઊભી કરે તેવો પ્રયાસ રહેશે.

ફરિયાદથી આગળ વધીને સુધારા તરફ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વહીવટી સુધારાઓને લઈને ગંભીર અને સંવેદનશીલ અભિગમ ધરાવે છે. તેમના નેતૃત્વમાં ગુજરાત વહીવટી સુધારણા પંચ (GARC)ની રચના પણ કરવામાં આવી છે.

આ જ દિશામાં રિફોર્મ ઉત્સવને માત્ર ફરિયાદ નિવારણના અભિયાન તરીકે નહીં પરંતુ નાગરિકોના સૂચનોને વ્યવસ્થામાં કાયમી અને કાર્યક્ષમ સુધારામાં પરિવર્તિત કરવાના અભિયાન તરીકે આગળ વધારવામાં આવશે.

સરકારનો અંતિમ ઉદ્દેશ એવો છે કે નાગરિકનો અવાજ માત્ર સૂચન પૂરતો સીમિત ન રહે, પરંતુ તેમાંથી અમલપાત્ર સુધારો તૈયાર થાય અને તેના પરિણામો સીધા લોકો સુધી પહોંચે.

રાજ્ય કક્ષાએ સમિતિની રચના

મુખ્યમંત્રીના સીધા નેતૃત્વ હેઠળ કાર્યરત સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રિફોર્મ ઉત્સવના આયોજન, સંચાલન, અમલીકરણ અને દેખરેખ માટે રાજ્ય કક્ષાની સમિતિની રચના કરવામાં આવી છે.

આ સમિતિમાં વિવિધ વિભાગોના અધિક મુખ્ય સચિવ, અગ્ર સચિવ અને સચિવ સભ્ય તરીકે રહેશે. જરૂરિયાત મુજબ અન્ય અધિકારીઓનો પણ સમિતિમાં સમાવેશ કરવામાં આવશે.

રિફોર્મ ઉત્સવના સંકલન માટે રાજ્ય કક્ષાએ સામાન્ય વહીવટ વિભાગના અગ્ર સચિવ (વહીવટી સુધારણા અને તાલીમ પ્રભાગ)ને નોડલ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સાથે જ દરેક વહીવટી વિભાગ અને જિલ્લામાં પણ નોડલ અધિકારીઓની નિમણૂક કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

જિલ્લા કક્ષાએ પણ સમિતિ

રિફોર્મ ઉત્સવને માત્ર ગાંધીનગર અથવા રાજ્ય કક્ષા સુધી સીમિત રાખવાને બદલે તેને છેવાડાના નાગરિક સુધી પહોંચાડવા જિલ્લા કક્ષાએ પણ સમિતિઓની રચના કરવામાં આવી છે.

જિલ્લા કક્ષાની સમિતિના અધ્યક્ષ તરીકે કલેક્ટર અને સહ-અધ્યક્ષ તરીકે જિલ્લા વિકાસ અધિકારી રહેશે. નિવાસી અધિક કલેક્ટર ઉપરાંત ખેતીવાડી, આરોગ્ય, સમાજ સુરક્ષા, બેન્કિંગ, વીજ કંપની અને અન્ય સંબંધિત વિભાગોના અધિકારીઓને પણ સમિતિમાં સ્થાન આપવામાં આવશે.

2 ઓક્ટોબરથી દરેક પંચાયતમાં ‘જન મંથન’

રિફોર્મ ઉત્સવનો મુખ્ય તબક્કો 2 ઓક્ટોબરથી શરૂ થશે. આ અંતર્ગત દરેક પંચાયતમાં ‘જન મંથન’ સભાનું આયોજન કરવામાં આવશે.

આ સભાઓમાં વરિષ્ઠ મહાનુભાવોના સંબોધન સાથે નાગરિકોને રિફોર્મ ઉત્સવ અંગે માહિતી આપવામાં આવશે. નાગરિકો પોતાના સૂચનો સીધા રજૂ કરી શકે તે માટે સ્થળ પર વોલન્ટિયર્સ અને હેલ્પ ડેસ્કની વ્યવસ્થા પણ કરવામાં આવશે.

ત્રણ તબક્કામાં થશે સુધારાની પ્રક્રિયા

રિફોર્મ ઉત્સવને મુખ્યત્વે ત્રણ તબક્કામાં અમલમાં મૂકવામાં આવશે.

1. જન મંથન – 2થી 31 ઓક્ટોબર:
આ તબક્કામાં નાગરિકો પાસેથી વહીવટી વ્યવસ્થામાં સુધારા માટે સૂચનો અને રજૂઆતો એકત્ર કરવામાં આવશે.

2. વિમર્શ – 10 ઓક્ટોબરથી 30 નવેમ્બર:
આ તબક્કામાં સંબંધિત વિભાગો દ્વારા મળેલા સૂચનોનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવામાં આવશે. તેમાંમાંથી અમલપાત્ર સુધારાઓની ઓળખ કરી તેમને ‘ક્વિક વિન્સ’ અને ‘મધ્યમ ગાળાના સુધારા’ તરીકે વર્ગીકૃત કરવામાં આવશે.

3. જન સમાધાન – 10 ઓક્ટોબરથી 20 ડિસેમ્બર:
આ તબક્કામાં ક્વિક વિન્સ તરીકે ઓળખાયેલા સુધારાઓનો અમલ કરવામાં આવશે. જ્યારે મધ્યમ ગાળાના સુધારાઓ માટે વિગતવાર અમલીકરણ રોડમેપ તૈયાર કરીને પોર્ટલ પર મૂકવામાં આવશે અને તેના અમલની શરૂઆત પણ કરવામાં આવશે.

આ રીતે ‘રિફોર્મ ઉત્સવ’ના માધ્યમથી નાગરિકોની વાત વહીવટ સુધી પહોંચાડવા અને તેમના સૂચનોને નક્કર સુધારામાં પરિવર્તિત કરવા રાજ્ય સરકાર દ્વારા વ્યવસ્થિત પ્રયાસ હાથ ધરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai