રાજકોટ: જન્માષ્ટમીના તહેવાર દરમિયાન દ્વારકાધીશના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ ડિવિઝન દ્વારા વિવિધ રૂટ પર કુલ 4 જોડી સ્પેશિયલ ટ્રેનો વિશેષ ભાડા પર ચલાવવામાં આવશે.
રાજકોટ-દ્વારકા વચ્ચે રાત્રીની સ્પેશિયલ ટ્રેન
ટ્રેન નંબર 09527 રાજકોટ-દ્વારકા અનરિઝર્વ્ડ સ્પેશિયલ 3 સપ્ટેમ્બરે રાજકોટથી રાત્રે 00:30 વાગ્યે ઉપડશે અને સવારે 05:50 વાગ્યે દ્વારકા પહોંચશે.
પરત ફરતી ટ્રેન નંબર 09528 દ્વારકા-રાજકોટ 3 સપ્ટેમ્બરે સવારે 06:50 વાગ્યે દ્વારકાથી ઉપડી બપોરે 12:00 વાગ્યે રાજકોટ પહોંચશે.
આ ટ્રેન બંને દિશામાં હાપા, જામનગર, કનાલુસ, ખંભાળિયા અને ભાટિયા સ્ટેશનો પર ઊભી રહેશે. ટ્રેનના તમામ કોચ જનરલ કેટેગરીના અનરિઝર્વ્ડ રહેશે.
દ્વારકાથી ગાંધીનગર સુધી પણ સ્પેશિયલ ટ્રેન
ટ્રેન નંબર 09522 દ્વારકા-ગાંધીનગર કેપિટલ અનરિઝર્વ્ડ સ્પેશિયલ 3, 4 અને 5 સપ્ટેમ્બરે દ્વારકાથી સવારે 06:50 વાગ્યે ઉપડી સાંજે 05:00 વાગ્યે ગાંધીનગર કેપિટલ પહોંચશે.
પરત દિશામાં ટ્રેન નંબર 09521 ગાંધીનગર કેપિટલ-દ્વારકા 3, 4 અને 5 સપ્ટેમ્બરે રાત્રે 08:00 વાગ્યે ગાંધીનગરથી ઉપડશે અને બીજા દિવસે સવારે 05:50 વાગ્યે દ્વારકા પહોંચશે.
આ ટ્રેન ભાટિયા, ખંભાળિયા, કનાલુસ, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, થાન, સુરેન્દ્રનગર, લખતર, વિરમગામ, આંબલી રોડ અને ચાંદલોડિયા બી કેબિન સહિતના સ્ટેશનો પર રોકાશે.
રાજકોટ-દ્વારકા વચ્ચે વધુ એક સ્પેશિયલ ટ્રેન
ટ્રેન નંબર 09533 રાજકોટ-દ્વારકા અનરિઝર્વ્ડ સ્પેશિયલ 3, 4, 5 અને 6 સપ્ટેમ્બરે રાજકોટથી રાત્રે 08:00 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે રાત્રે 01:20 વાગ્યે દ્વારકા પહોંચશે.
પરત દિશામાં ટ્રેન નંબર 09534 દ્વારકા-રાજકોટ 4, 5, 6 અને 7 સપ્ટેમ્બરે દ્વારકાથી રાત્રે 01:50 વાગ્યે ઉપડી સવારે 06:25 વાગ્યે રાજકોટ પહોંચશે.
આ ટ્રેન પણ હાપા, જામનગર, કનાલુસ, ખંભાળિયા અને ભાટિયા સ્ટેશનો પર ઊભી રહેશે. તેના તમામ કોચ જનરલ કેટેગરીના અનરિઝર્વ્ડ રહેશે.
શ્રદ્ધાળુઓને મોટી રાહત
જન્માષ્ટમી દરમિયાન દ્વારકામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચતા હોવાથી રેલવેની આ વધારાની ટ્રેનો મુસાફરો માટે મહત્વની સાબિત થશે. ખાસ કરીને રાજકોટ, જામનગર, ખંભાળિયા અને આસપાસના વિસ્તારોમાંથી દ્વારકા જતા યાત્રિકોને વધારાની ટ્રેન સેવાનો લાભ મળશે.










