દસક્રોઈના યુવકને રશિયામાં રહેતા ભાઈના નામે સાયબર ઠગાઈ, ફેસબુક મેસેજથી રૂ.2.65 લાખ પડાવ્યા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

અમદાવાદ: દસક્રોઈમાં રહેતા ઉત્તર પ્રદેશના મૂળ યુવક સાથે રશિયામાં રહેતા તેના માસીના દીકરાના નામે ફેસબુક મેસેન્જર પર મેસેજ કરી સાયબર ઠગાઈ કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે. ગઠિયાએ વિઝા એક્સપાયર થઈ જવાનો અને 8 વર્ષ જેલમાં જવાનો ડર બતાવી અલગ-અલગ તબક્કે યુવક પાસેથી કુલ રૂ.2.65 લાખ પડાવી લીધા હતા. ત્યારબાદ વધુ રૂ.2.70 લાખની માંગણી થતાં યુવકને શંકા ગઈ હતી. રશિયામાં રહેતા ભાઈ સાથે સીધો સંપર્ક કરતાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો.

વિઝા બ્લોક થવાની વાત કરી જેલનો ડર બતાવ્યો

દસક્રોઈમાં રહેતા સંતોષ યાદવના માસીના દીકરા રાજારામ યાદવ રશિયામાં નોકરી કરે છે. થોડા દિવસ પહેલાં સંતોષને રાજારામના નામના ફેસબુક મેસેન્જર એકાઉન્ટ પરથી મેસેજ આવ્યો હતો. તેમાં વિઝા એક્સપાયર થઈ ગયો હોવાનું અને એજન્સીના રૂ.95 હજાર બાકી હોવાથી વિઝા બ્લોક કરીને 8 વર્ષ માટે જેલમાં મોકલી દેવાની ધમકી આપવામાં આવી હતી.

મેસેજ કરનારા ગઠિયાએ પોતે રાજારામનો વિઝા એજન્ટ હોવાનું જણાવી એક મોબાઇલ નંબર મોકલ્યો હતો અને તાત્કાલિક સંપર્ક કરવા કહ્યું હતું.

અલગ-અલગ રીતે રૂ.2.65 લાખ ટ્રાન્સફર કરાવ્યા

સંતોષે આપેલા નંબર પર વોટ્સએપ કોલ કરતાં સામેવાળાએ ફરી પોતે વિઝા એજન્ટ હોવાનું કહી વિઝા બચાવવા તાત્કાલિક રૂ.95 હજાર ચૂકવવા જણાવ્યું હતું. ભાઈ મુશ્કેલીમાં હોવાની વાત માની સંતોષે ગઠિયાએ મોકલેલા QR કોડ પર પોતાના બે બેન્ક ખાતામાંથી રૂ.30 હજાર અને રૂ.50 હજાર ટ્રાન્સફર કર્યા હતા. આ ઉપરાંત એક પરિચિત મારફતે રૂ.15 હજાર ચૂકવ્યા હતા.

રૂ.95 હજાર મળ્યા બાદ ગઠિયાએ ફરી સંપર્ક કરીને અન્ય પ્રક્રિયાના નામે રૂ.1.70 લાખની માંગણી કરી હતી. આ રકમ પણ સંતોષે અન્ય વ્યક્તિ મારફતે ટ્રાન્સફર કરી હતી. આમ, ગઠિયાએ કુલ રૂ.2.65 લાખ પડાવી લીધા હતા.

વધુ રૂ.2.70 લાખ માંગતાં શંકા ગઈ

રૂ.2.65 લાખ મેળવ્યા બાદ પણ ઠગની લાલચ અટકી નહોતી. તેણે રાજારામ માટે પ્લેનની ટિકિટ કરાવવાના બહાને વધુ રૂ.2.70 લાખની માંગણી કરી હતી. વારંવાર નાણાંની માંગણી થતાં સંતોષને સમગ્ર મામલે શંકા ગઈ હતી.

રશિયામાં રહેતા ભાઈ સાથે વાત કરતાં હકીકત સામે આવી

શંકા જતા સંતોષે રાજારામના નાના ભાઈ દયારામનો સંપર્ક કર્યો હતો. દયારામે રશિયામાં રહેલા રાજારામ સાથે સીધી વાત કરતાં જાણવા મળ્યું કે રાજારામ સંપૂર્ણપણે સુરક્ષિત છે, તેની નોકરી પણ ચાલુ છે અને તેણે કોઈની પાસે નાણાંની માંગણી કરી નથી.

આથી સંતોષ સાથે ફેસબુક મેસેન્જર મારફતે સાયબર છેતરપિંડી થઈ હોવાનું સ્પષ્ટ થયું હતું. ત્યારબાદ સંતોષે સાયબર હેલ્પલાઇન 1930 પર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી ગઠિયાના બેન્ક ખાતા અને મોબાઇલ લોકેશન સહિતની વિગતોના આધારે વધુ તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai