ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ માટે ગુજરાત સરકારનું મોટું પગલું

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

પાંચ કાયદામાં સુધારા માટે વિધાનસભામાં એક જ મહાવિધેયક રજૂ કરાશે

ગુજરાત વિધાનસભાના આવતીકાલથી શરૂ થતાં ત્રણ દિવસના ટૂંકા સત્રમાં ‘ગુજરાત ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ બિલ, 2026’ રજૂ કરવામાં આવશે. વેપાર-ઉદ્યોગ માટે નિયમો સરળ બનાવવા અને કમ્પ્લાયન્સનું ભારણ ઘટાડવાના હેતુથી આ મહાવિધેયકમાં પાંચ અલગ-અલગ કાયદાઓને આવરી લેવામાં આવ્યા છે.

આ બિલ હેઠળ રાજ્યની દુકાનો અને વ્યાવસાયિક સંસ્થાઓને અઠવાડિયાના સાતેય દિવસ અને 24 કલાક ખુલ્લી રાખવાની મંજૂરી આપવાનો પ્રસ્તાવ છે. જોકે, કર્મચારીઓના કામના કલાકો અને સુરક્ષા અંગેના હાલના નિયમો યથાવત રહેશે.

મહાવિધેયકમાં ગુજરાત મેડિકલ કાઉન્સિલ એક્ટ-1967, ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફ્ટી મેઝર્સ એક્ટ-2013, રાઇટ ઓફ સિટિઝન્સ ટુ પબ્લિક સર્વિસીસ એક્ટ-2013, ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ્સ એક્ટ-2019 અને ગુજરાત MSME ફેસિલિટેશન એક્ટ-2019માં સુધારા સામેલ કરવામાં આવ્યા છે.

દુકાનો અને વ્યવસાયોના રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પણ સરળ બનાવવામાં આવશે. નવા વ્યવસાયોએ શરૂઆતના 60 દિવસમાં નોંધણી કરાવવાની રહેશે અને તેના માટે સેલ્ફ-ડિક્લેરેશન તથા સેલ્ફ-સર્ટિફાઇડ દસ્તાવેજો પૂરતા રહેશે. અગાઉ થયેલા રજીસ્ટ્રેશન તેમની મુદત પૂરી થાય ત્યાં સુધી માન્ય રહેશે.

ફરિયાદોના ઝડપી નિકાલ માટે પણ નવી વ્યવસ્થા સૂચવાઈ છે. નિર્ધારિત સમયમર્યાદામાં ફરિયાદનો નિકાલ ન થાય તો અરજી આપમેળે અપીલ અધિકારી સમક્ષ ટ્રાન્સફર થઈ જશે. નિર્ણયથી અસંતુષ્ટ અરજદારને 30 દિવસમાં આગળ અપીલ કરવાની જોગવાઈ રહેશે.

તબીબો માટે પણ નોંધણી પ્રક્રિયા સરળ બનાવવાનો પ્રસ્તાવ છે. અન્ય રાજ્યોમાં નોંધાયેલા ડોક્ટરો ગુજરાતમાં વધારાની ફી કે પૂર્વ મંજૂરી વિના ડિગ્રી/સર્ટિફિકેટ અને સ્વ-ઘોષણાપત્રના આધારે નોંધણી મેળવી શકશે. ખાસ સંજોગોમાં જરૂરી ડિગ્રી દસ્તાવેજ ઉપલબ્ધ ન હોય તો ગુજરાત મેડિકલ કાઉન્સિલના પ્રમુખની મંજૂરીથી પણ નોંધણીની જોગવાઈ રહેશે.

આ સુધારાઓનો મુખ્ય ઉદ્દેશ્ય જૂના અને જટિલ નિયમોને સરળ બનાવીને ગુજરાતમાં વ્યવસાય માટે વધુ અનુકૂળ, પારદર્શક અને ઝડપી વ્યવસ્થાનું નિર્માણ કરવાનો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai