ગાંધીનગર: વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને કલ્યાણને ધ્યાનમાં રાખીને ગુજરાત શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે કાઉન્સેલિંગ પ્રક્રિયા ફરજિયાત કરવામાં આવી છે.
નવા નિયમ મુજબ ધોરણ 9થી 12ની સરકારી અને ખાનગી શાળાઓમાં ‘વેલનેસ ટીમ’ની રચના કરવામાં આવશે. વિદ્યાર્થીઓને માનસિક રીતે મજબૂત બનાવવા માટે ‘મનો મિત્ર’ની પણ નિયુક્તિ કરાશે. 100થી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓમાં તાલીમબદ્ધ કાઉન્સેલર અથવા સાયકોલોજિસ્ટની નિમણૂક ફરજિયાત રહેશે.
આ ઉપરાંત શાળાઓ હવે વિદ્યાર્થીઓના ગુણ કે પરિણામના આધારે વર્ગોનું વિભાજન કરી શકશે નહીં. હોશિયાર અને નબળા વિદ્યાર્થીઓના અલગ વર્ગ બનાવતી શાળાઓ સામે કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે. આ નિર્ણયનો હેતુ વિદ્યાર્થીઓમાં હીનભાવના, તણાવ અને માનસિક દબાણ ઘટાડવાનો છે.










