જસ્ટિસ કારીયા કમિટીની કડક ચકાસણી બાદ કાર્યવાહી; ગાંધીનગર-2 સમિતિ સમક્ષ આવેલી 1,776 અરજીઓમાંથી 619નો નિકાલ
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં આદિજાતિના ખોટા પ્રમાણપત્રો રદ કરવા અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે, સાચા આદિવાસીઓના હકોનું રક્ષણ કરવા રાજ્ય સરકાર સંપૂર્ણપણે કટિબદ્ધ છે.
મંત્રીના જણાવ્યા અનુસાર, જસ્ટિસ કારીયા કમિટી દ્વારા ચકાસણી બાદ તા. 1 ઓગસ્ટ 2024થી 31 જુલાઈ 2026 દરમિયાન રાજ્યમાં આશરે 75 ખોટા આદિજાતિ પ્રમાણપત્રો રદ કરવામાં આવ્યા છે. બીજી તરફ, ગાંધીનગર-2 વિશ્લેષણ સમિતિ સમક્ષ આવેલી કુલ 1,776 અરજીઓમાંથી 619 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે.
મંત્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે, આદિજાતિ પ્રમાણપત્ર યુવાનોની વર્ષોની મહેનત, શિક્ષણ અને કારકિર્દી સાથે સીધી રીતે જોડાયેલું હોવાથી તેની ખરાઈની પ્રક્રિયા ગંભીરતા અને પારદર્શિતાથી હાથ ધરવામાં આવે છે. પ્રમાણપત્રની તપાસ દરમિયાન દસ્તાવેજો અને સંબંધિત વિગતોની ઊંડાણપૂર્વક ચકાસણી કરવામાં આવે છે.
જો ચકાસણી દરમિયાન કોઈ પ્રમાણપત્ર ખોટું હોવાનું સાબિત થાય તો આદિજાતિ વિભાગ દ્વારા તાત્કાલિક સંબંધિત વિભાગને તેની જાણ કરવામાં આવે છે. ત્યારબાદ નિયમો મુજબ નોકરી અથવા અન્ય રીતે મળેલા લાભો પરત ખેંચવા સહિતની જરૂરી દંડાત્મક કાર્યવાહી સંબંધિત વિભાગ દ્વારા હાથ ધરવામાં આવે છે.
સરકારના જણાવ્યા મુજબ, ખોટા પ્રમાણપત્રો સામેની આ કાર્યવાહીનો મુખ્ય હેતુ પાત્ર આદિવાસી ઉમેદવારોના અધિકારો અને અનામતના લાભનું રક્ષણ કરવાનો છે.










