મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જુનાગઢ જિલ્લાના વિસાવદર શહેરને ટ્રાફિક સમસ્યામાંથી રાહત આપવા બાયપાસ રોડની કામગીરી માટે પ્રથમ તબક્કે ₹20 કરોડ મંજૂર કર્યા છે. બગસરા-જેતપુર સ્ટેટ હાઇવેથી વિસાવદર, સતાધાર અને સાસણગીર સ્ટેટ હાઇવે સુધી બાયપાસ બનાવવાની આ કામગીરીમાં શરૂઆતના તબક્કે જમીન સંપાદન, યુટિલિટી શિફ્ટિંગ અને ડીપીઆર સહિતની કામગીરી હાથ ધરાશે.
સ્થાનિક પદાધિકારીઓ અને નગરજનો દ્વારા કરવામાં આવેલી રજૂઆતને પગલે મુખ્યમંત્રીએ તાત્કાલિક હકારાત્મક પ્રતિસાદ આપી આ રકમ મંજૂર કરી છે.
વિસાવદર નજીક સતાધાર યાત્રાધામ, સાસણગીર, કનકેશ્વરી મંદિર, રામપરાનું ધામ અને નાગબાઈ મંદિર સહિત અનેક ધાર્મિક તથા પ્રવાસન સ્થળો આવેલા હોવાથી અહીં મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહે છે. ઉપરાંત અમરેલી-સોમનાથ સહિતના મુખ્ય માર્ગો તેમજ બગસરા, જેતપુર, ધારી, સાવરકુંડલા અને જુનાગઢ-મેંદરડા-કેશોદ તરફ જતા માર્ગો પણ વિસાવદરમાંથી પસાર થાય છે.
વધતા ટ્રાફિક ભારણને ધ્યાનમાં રાખીને બાયપાસ રોડ બનાવવાની જરૂરિયાત લાંબા સમયથી અનુભવાતી હતી. હવે માર્ગ અને મકાન વિભાગ દ્વારા પ્રથમ તબક્કાની કામગીરી માટે મંજૂર થયેલા ₹20 કરોડનો ઉપયોગ કરવામાં આવશે.










