કોઈ સૂચના વિના સર્વિસ અટકતાં વેપારીઓમાં રોષ : ટેક્સટાઇલ-ડાયમંડ ઉદ્યોગને સીધી અસર થવાની ભીતિ
સુરત અને નવી મુંબઈ વચ્ચે તાજેતરમાં શરૂ કરવામાં આવેલી ડાયરેક્ટ ફ્લાઈટ સર્વિસનું બુકિંગ અચાનક બંધ કરી દેવામાં આવતા મુસાફરો તેમજ વેપારી આલમમાં ભારે અસંતોષ ફેલાયો છે. કોઈપણ પ્રકારની સત્તાવાર સૂચના કે સ્પષ્ટતા વિના એરલાઇન્સ દ્વારા બુકિંગ સિસ્ટમમાંથી ફ્લાઈટ હટાવી દેવામાં આવતા રોજિંદી અવરજવર કરતા મુસાફરો માટે મુશ્કેલી ઊભી થઈ છે.
સુરતનો ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગ મુંબઈ સાથે સીધો વેપારી સંબંધ ધરાવે છે. નવી મુંબઈ અને સુરત વચ્ચેની સીધી હવાઈ સેવા વેપારીઓ, ઉદ્યોગકારો તેમજ દેશ-વિદેશથી આવતા બિઝનેસ પ્રતિનિધિઓ માટે સમય બચાવતી અને અનુકૂળ સાબિત થઈ રહી હતી. ઓછા સમયમાં મુંબઈ પહોંચવાની સુવિધા મળતા વેપાર-ધંધાની ગતિને પણ ફાયદો થઈ રહ્યો હતો.
પરંતુ હવે અચાનક બુકિંગ બંધ થતાં વેપારીઓની મુસાફરીનું આયોજન ખોરવાયું છે. ફ્લાઈટ ટેકનિકલ કારણોસર બંધ કરાઈ છે કે ઓપરેશનલ સમસ્યાના કારણે સર્વિસ અટકાવવામાં આવી છે, તે અંગે હજુ સુધી એરલાઇન્સ અથવા એરપોર્ટ ઓથોરિટી તરફથી કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી.
નવી મુંબઈ-સુરત હવાઈ કનેક્ટિવિટી વેપાર માટે મહત્વપૂર્ણ હોવાથી સ્થાનિક વેપારી સંગઠનો અને ઉદ્યોગકારોમાં ચિંતા વધી છે. વેપારી આલમ દ્વારા ફ્લાઈટનું કારણ સ્પષ્ટ કરવા તેમજ આ મહત્વપૂર્ણ હવાઈ સેવા વહેલી તકે પુનઃ શરૂ કરવાની માંગ ઉઠી રહી છે.










