સુરેન્દ્રનગરમાં બેંકોની હડતાલથી કરોડોના આર્થિક વ્યવહારો ઠપ્પ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

પાંચ દિવસ બેંકિંગ સહિતની માંગણીઓ સાથે કર્મચારીઓ હડતાળ પર : ખાતેદારોને ધક્કા, ચેક ક્લિયરન્સથી લોન સુધીની કામગીરી અટકી

સુરેન્દ્રનગર જિલ્લામાં આજે તમામ બેંકોના કર્મચારીઓ અને અધિકારીઓ હડતાળ પર ઉતરી જતા બેંકિંગ વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સના આહવાને પગલે યોજાયેલી હડતાળના કારણે જિલ્લાની વિવિધ બેંકોમાં કાઉન્ટર સેવા સહિતની કામગીરી બંધ રહી હતી. પરિણામે કરોડો રૂપિયાના આર્થિક વ્યવહારો પર સીધી અસર જોવા મળી હતી.

બેંક કર્મચારીઓ દ્વારા મુખ્યત્વે સોમવારથી શુક્રવાર સુધી એટલે કે પાંચ દિવસનું બેંકિંગ સંપૂર્ણપણે લાગુ કરવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત અગાઉ થયેલા સમજૂતી કરારનો તાકીદે અમલ, પગાર વધારા તથા લાંબા સમયથી પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવાની પણ માંગ કરવામાં આવી રહી છે.

હડતાળને કારણે સવારે બેંકમાં પહોંચેલા અનેક ખાતેદારોને પરત ફરવાની ફરજ પડી હતી. બેંકોના મુખ્ય દરવાજા બંધ રાખવામાં આવ્યા હતા અને હડતાળ અંગેના બોર્ડ લગાવવામાં આવ્યા હતા. રોકડ ઉપાડ-જમા, કાઉન્ટર સેવા, ચેક ક્લિયરન્સ, પાસબુક સહિતની અનેક સેવાઓ પ્રભાવિત થતાં સામાન્ય ખાતેદારો ઉપરાંત વેપારીઓ અને ઉદ્યોગકારોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

ચાર દિવસ સુધી બેંકિંગ કામગીરીને અસર

હડતાળ બાદ શનિવાર અને રવિવારની રજા તેમજ ત્યારબાદ સોમવારની રજાને કારણે હવે બેંકિંગ કામગીરી સીધી મંગળવારે શરૂ થાય તેવી સ્થિતિ ઊભી થઈ છે. જેના કારણે સતત ચાર દિવસ સુધી બેંકિંગ સેવાઓ પર અસર રહેવાની શક્યતાથી વેપારી અને ઉદ્યોગકાર વર્ગમાં ચિંતા જોવા મળી રહી છે.

ATM અને ચેક ક્લિયરન્સ પર પણ અસર

બેંકો બંધ રહેતા રોકડ વ્યવહારો પર પણ અસર પડી હતી. કેટલાક સ્થળે ATMમાં રોકડની અછત સર્જાય તો તેને ફરી ભરવાની કામગીરી પણ પ્રભાવિત થઈ શકે છે. બીજી તરફ ચેક ક્લિયરન્સમાં વિલંબ, લોન સંબંધિત કામગીરી, દસ્તાવેજી પ્રક્રિયા અને પાસબુક સહિતની બેંકિંગ સેવાઓ અટકી જતા ખાતેદારો પરેશાન બન્યા હતા.

ખાતેદારોએ વ્યક્ત કર્યો રોષ

સુરેન્દ્રનગર SBI બેંક બહાર ખાતેદાર પ્રવીણ મકવાણાએ જણાવ્યું હતું કે હાલમાં તહેવારોનો સમય ચાલી રહ્યો હોવાથી લોકોને નાણાંની જરૂરિયાત રહે છે. નાના-મોટા પ્રસંગો પણ શરૂ થઈ ગયા છે ત્યારે આર્થિક વ્યવહારો માટે લોકો બેંકમાં આવે છે, પરંતુ હડતાળના કારણે તેમને પરત ફરવું પડે છે. કર્મચારીઓની માંગણીઓ અંગે નિર્ણય લેવો જરૂરી છે, પરંતુ ખાતેદારોને મુશ્કેલી ન પડે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા અંગે પણ વિચારવું જોઈએ.

હડતાળને સુરેન્દ્રનગરની SBI, ગુજરાત ગ્રામીણ બેંક સહિત વિવિધ બેંકોના કર્મચારીઓએ સમર્થન આપ્યું હતું. કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરી પોતાની પડતર માંગણીઓનો વહેલી તકે ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai