ભાવનગરની નકલી દારૂની ફેક્ટરીમાં રેલકર્મચારી સહિત ત્રણના 5 દિવસના રિમાન્ડ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

રૂ.1.01 લાખનો મુદ્દામાલ ઝડપાયો : મોરબી સહિત 7 શખ્સોની સંડોવણી સામે આવી, પોલીસની શોધખોળ

ભાવનગર શહેરના રેલવે કોલોની વિસ્તારમાં ચાલતી નકલી વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરીનો એલસીબીએ પર્દાફાશ કર્યા બાદ ઝડપાયેલા રેલવે કર્મચારી સહિત ત્રણ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે નકલી દારૂના નેટવર્કની કડી સુધી પહોંચવા માટે 10 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. જોકે, કોર્ટ દ્વારા ત્રણેય આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

એલસીબીએ ભાવનગર પરા વિસ્તારમાં આવેલા રેલવે ક્વાર્ટર નં.70/એમાં દરોડો પાડ્યો હતો. અહીં કેમિકલનો ઉપયોગ કરીને નકલી વિદેશી દારૂ બનાવવામાં આવતો હતો અને જાણીતી કંપનીઓના નામ તથા ‘ફોર સેલ ઇન પંજાબ ઓન્લી’ લખાણવાળા બોગસ સ્ટીકરો લગાવી બોટલોને અસલી વિદેશી દારૂ તરીકે વેચવાની તૈયારી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે.

દરોડા દરમિયાન રેલવે કર્મચારી અક્ષયરાજસિંહ પ્રદીપસિંહ ગોહિલ, વિજય ઉર્ફે મયંક રાજુભાઈ મકવાણા અને જીતેન્દ્ર દિલીપભાઈ ખાવડિયાને ઝડપી લેવામાં આવ્યા હતા.

પોલીસે સ્થળ પરથી 180 એમએલની નકલી વિદેશી દારૂની 17 સીલપેક બોટલો, 231 બોટલ સ્ટીકરો, 151 સીલ સ્ટીકરો, બોટલ સીલ કરવા માટેનું લોખંડનું મશીન, સ્ટીલનું પ્રેશર મશીન, કેમિકલ ભરેલા તથા ખાલી કેરબા અને પાંચ મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત રૂ.1,00,940 હોવાનું પોલીસે જણાવ્યું છે.

મોરબી સહિત સાત શખ્સોની શોધખોળ

પોલીસ તપાસમાં આ નકલી દારૂના કૌભાંડમાં વધુ સાત શખ્સોની સંડોવણી સામે આવી છે. જેમાં મોરબીના રામદેવસિંહ ઘનશ્યામસિંહ ઝાલા ઉપરાંત રાજસ્થાનના બ્યાવર અને અન્ય વિસ્તારોના શખ્સો તથા ભાવનગરના કેટલાક લોકોનો સમાવેશ થાય છે.

આ તમામ સાત શખ્સોને ઝડપી પાડવા માટે પોલીસે શોધખોળ શરૂ કરી છે. રિમાન્ડ દરમિયાન નકલી દારૂ બનાવવા માટે કેમિકલ અને અન્ય રો-મટિરિયલ ક્યાંથી લાવવામાં આવતું હતું, દારૂ કોને અને કયા વિસ્તારોમાં સપ્લાય કરવામાં આવતો હતો તેમજ સમગ્ર કૌભાંડમાં અન્ય કોણ સંડોવાયેલું છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવશે.

નકલી દારૂ કાંડ બાદ ફરી મોટું નેટવર્ક ઝડપાયું

ભાવનગરમાં નકલી દારૂના કારણે અનેક લોકોના મોતની ઘટના બાદ પણ નકલી દારૂનો કારોબાર ચાલુ હોવાનો પર્દાફાશ થતાં પોલીસ તંત્રમાં પણ ચકચાર મચી છે. રહેણાંક વિસ્તારમાં આવેલા રેલવે ક્વાર્ટરમાં જ નકલી વિદેશી દારૂ બનાવવાની પ્રવૃત્તિ ચાલી રહી હતી તે બાબત ગંભીર બની છે.

પોલીસ હવે આ કૌભાંડના સ્થાનિક અને આંતરરાજ્ય કનેક્શન સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. ખાસ કરીને મોરબી અને રાજસ્થાન સાથેના કનેક્શન અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

ઝેરી દારૂથી મોતના કેસમાં હત્યાનો એંગલ પણ સામે આવ્યો

દરમિયાન ભાવનગરના અગાઉના નકલી દારૂ કાંડમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. રિક્ષા ચાલક ભાવેશભાઈ ધીરૂભાઈ વિસાણીના શંકાસ્પદ મોતના કેસમાં એફએસએલ રિપોર્ટમાં નકલી રોયલ સ્ટેગ દારૂ પીવાથી મોત થયું હોવાનું સામે આવ્યા બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી.

તપાસમાં ધંધાકીય અદાવતને કારણે મિત્ર મુકેશ હસમુખભાઈ પટેલે કથિત રીતે ઝેરી દારૂ ભાવેશભાઈને પીવડાવ્યો હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. પોલીસે મુકેશ પટેલ તથા દારૂ સપ્લાય કરનાર સંજય નામના શખ્સ વિરુદ્ધ હત્યા અને ગુનાહિત કાવતરાની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

આ કેસમાં પણ આરોપીઓને ઝડપી પાડવા પોલીસ દ્વારા તપાસ અને શોધખોળ તેજ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai