ગુજરાતની ગ્રામ પંચાયતો પર પાણી વેરાનું ભારણ, બાકીદારી રૂ.236 કરોડને પાર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની નાણાકીય સ્થિતિને લઈને ચિંતાજનક આંકડા સામે આવ્યા છે. ગ્રામ પંચાયતો પાસે પાણી વેરાની બાકી રકમ વધીને રૂ.236 કરોડથી વધુ થઈ હોવાનું સરકારી અહેવાલમાં દર્શાવવામાં આવ્યું છે.

અહેવાલ મુજબ, વર્ષ 2019-20માં પંચાયતો પાસે પાણી વેરા પેટે આશરે રૂ.139 કરોડની બાકીદારી હતી. વર્ષ 2023-24 સુધીમાં આ રકમ વધીને રૂ.236 કરોડ સુધી પહોંચી છે. પાંચ વર્ષ દરમિયાન વસૂલાત સામે માત્ર રૂ.52 લાખ જેટલી રકમ જ જમા થઈ હોવાનું જણાવાયું છે.

પાણી વેરાની વસૂલાત સામે સવાલ

પાણી પુરવઠા પાછળ સરકાર દ્વારા મોટાપાયે ખર્ચ કરવામાં આવે છે, પરંતુ સ્થાનિક સ્તરે પાણી વેરાની વસૂલાત નબળી રહેતાં બાકી લેણાં સતત વધી રહ્યા છે. બાકી રકમની વસૂલાત માટે અસરકારક કાર્યવાહી અને સ્થાનિક સંસ્થાઓની જવાબદારી અંગે પણ સવાલો ઊભા થયા છે.

નગરપાલિકાઓ પર પણ રૂ.148 કરોડનું ભારણ

ગ્રામ પંચાયતો બાદ નગરપાલિકાઓની સ્થિતિ પણ સામે આવી છે. રાજ્યની નગરપાલિકાઓનું પાણીનું રૂ.148 કરોડથી વધુનું બિલ બાકી હોવાનું અહેવાલમાં જણાવાયું છે.

પંચાયતો અને નગરપાલિકાઓની વધતી પાણી વેરાની બાકીદારીને કારણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની નાણાકીય વ્યવસ્થા પર ભારણ વધી રહ્યું છે. બાકી વસૂલાત માટે સરકાર આગામી સમયમાં કયા પગલાં લે છે તેના પર હવે નજર રહેશે.

United Times
Author: United Times

DAILY NEWS

Leave a Comment