સવારથી બપોર સુધીમાં 200થી વધુ તાલુકામાં વરસાદ; અમદાવાદમાં સવા પાંચ ઇંચ સુધી વરસાદ, પાંચ અંડરપાસ બંધ
ચોમાસાની વિદાયના સંકેતો વચ્ચે ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદ અને ગાંધીનગર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી અને ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ હતી.
અમદાવાદમાં વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો, વીજળીના કડાકા-ભડાકા વચ્ચે વરસાદ તૂટી પડ્યો હતો. શહેરમાં સોસાયટીઓ અને મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતાં વાહનચાલકો તથા ઓફિસે જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદને પગલે પાંચ અંડરપાસ પણ બંધ કરવાની ફરજ પડી હતી. અનેક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી.
શહેરમાં સૌથી વધુ સવા પાંચ ઇંચ વરસાદ સરખેજમાં નોંધાયો હતો. નવરંગપુરા અને ગોતામાં 4-4 ઇંચ, જ્યારે સાયન્સ સિટી, થલતેજ, ઉસ્માનપુરા અને ચાંદખેડા સહિતના વિસ્તારોમાં આશરે 3 ઇંચ વરસાદ નોંધાયો હતો. બોપલ, શીલજ, પકવાન, માનસી સર્કલ, શેલા, ધુમા, જમાલપુર, કાંકરિયા, મેમનગર અને પાલડી સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડ્યો હતો.
ગાંધીનગરમાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. બીજી તરફ રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. બપોર સુધીમાં 200થી વધુ તાલુકામાં હળવાથી નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલ મુજબ, આજે સવારે 6 વાગ્યે પૂર્ણ થયેલા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 150 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ યથાવત રહેતાં આગામી કલાકોમાં પણ વરસાદની શક્યતા વચ્ચે તંત્ર એલર્ટ મોડમાં રહ્યું હતું.










