પ્રથમ દિવસે જ 4.37 લાખથી વધુ માઈભક્તો ઉમટ્યા : ‘બોલ માડી અંબે’ના જયઘોષથી અંબાજી ગુંજી ઉઠ્યું
અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે જ 4,37,850થી વધુ માઈભક્તોએ મા અંબાના દર્શન કર્યા હતા. પગપાળા તેમજ વિવિધ વાહનો મારફતે પહોંચેલા શ્રદ્ધાળુઓની ભારે ભીડને પગલે સમગ્ર અંબાજી ‘બોલ માડી અંબે… જય જય માઁ અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.
મેળાના પ્રારંભે દાંતા રોડ પરથી મા અંબાના દિવ્ય રથની શાસ્ત્રોક્ત વિધિથી પૂજા-અર્ચના કરવામાં આવી હતી. ત્યારબાદ રથ પર ડ્રોન દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી અને મહાનુભાવોએ રથ ખેંચીને ઉદ્ઘાટન ડોમ સુધી પહોંચાડ્યો હતો. આરતી અને પૂજન સાથે સાત દિવસીય મહામેળાનો વિધિવત પ્રારંભ થયો હતો.
લાખો માઈભક્તોની સુવિધા માટે વહીવટી તંત્ર દ્વારા રેસ્ટ-શેલ્ટર, પીવાનું પાણી, તબીબી સેવા, ફ્રી ફૂડ શેલ્ટર, ટોઇલેટ અને લોસ્ટ એન્ડ ફાઉન્ડ સેન્ટર સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. આશરે 4 હજાર યાત્રાળુઓ માટે સાત રેસ્ટ-શેલ્ટર તૈયાર કરાયા છે. વિવિધ રૂટ પર 30 વોટર પોઇન્ટ અને 6 ફર્સ્ટ એઇડ કાઉન્ટર સહિતની સુવિધાઓ ઊભી કરાઈ છે.
પ્રથમ દિવસે જ તમામ પાર્કિંગ પ્લોટ ફૂલ થઈ જતા દાંતા તરફથી આવતા વાહનોને હડાદ તરફ ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. ભારે ભીડના કારણે ઘેતા-અંબાજી માર્ગ પર પણ ટ્રાફિક જામના દૃશ્યો જોવા મળ્યા હતા.
દરમિયાન મા અંબાના દર્શન બાદ મોહનથાળનો પ્રસાદ લેવા પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. મંદિર ખાતે 20થી વધુ કાઉન્ટરો પરથી અત્યાર સુધીમાં 4,08,278થી વધુ મોહનથાળના બોક્સ અને 5,513 ચિકીના બોક્સનું વિતરણ કરવામાં આવ્યું છે. મહામેળા દરમિયાન પદયાત્રીઓ માટે વિવિધ સ્થળોએ નિઃશુલ્ક ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.










