PCBની કાર્યવાહી: રૂ.4.79 લાખનો દારૂ સહિત રૂ.14.79 લાખનો મુદ્દામાલ જપ્ત
રાજકોટ: ઢેબર રોડ પર RMC પાર્કિંગના ગેટ નજીક PCBની ટીમે દારૂ ભરેલી હેરિયર કાર સાથે રેલનગરના શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસે કારમાંથી રૂ.4.79 લાખની કિંમતની 190 બોટલ દારૂ કબજે કરી હતી. કાર સહિત કુલ રૂ.14.79 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
બાતમીના આધારે PCBની ટીમે શંકાસ્પદ હેરિયર કારને અટકાવી તપાસ કરતાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કારચાલકની ઓળખ હાર્દિક ઉર્ફે શંભુ મુકેશ ચૌહાણ (ઉ.વ.34) તરીકે કરી હતી.
પૂછપરછમાં આ જથ્થો દમણથી લાવ્યો હોવાનું અને છૂટક વેચાણ કરવાનો હોવાનું સામે આવ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ આ તેની ત્રીજી ખેપ હતી. આરોપી સામે અગાઉ રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્ય ઉપરાંત વાપી અને નવસારીના ચીખલી સહિતના પોલીસ સ્ટેશનોમાં દારૂના 8 ગુના નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે.










