કાચા કામના બે કેદીઓ સામે ગુનો નોંધાયો, CCTV તપાસમાં બંનેની સંડોવણી સામે આવી
વડોદરા મધ્યસ્થ જેલમાં પ્રતિબંધિત મોબાઈલ ફોન રાખવાના મામલે કાચા કામના બે કેદીઓ સામે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. જેલની સ્થાનિક જડતી સ્ક્વોડે 21 સપ્ટેમ્બર, 2026ના રોજ હાથ ધરેલા ચેકિંગ દરમિયાન બેરેકના દરવાજા પાછળ છુપાવેલો મોબાઈલ ફોન મળી આવ્યો હતો.
જેલના સર્કલ વિભાગના યાર્ડ નં. 12ની બેરેક નં. 6માં સ્થાનિક જડતી સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી હતી. દરમિયાન દરવાજાના ઉપરના ભાગે આવેલા ઈલેક્ટ્રિકલ MCB સ્વીચ બોક્સ પાછળ છુપાવેલો સીમકાર્ડ વિનાનો ‘KECHADDA’ કંપનીનો મોબાઈલ ફોન મળી આવ્યો હતો.
મોબાઈલ મળ્યા બાદ જેલ સત્તાવાળાઓએ CCTV ફૂટેજની તપાસ કરતાં કાચા કામના આરોપીઓ શિવમ મોહનસિંગ રાજપુત અને મનજીતસિંગ સુખદેવસિંગ ધીલોન દ્વારા એકબીજાની મદદથી મોબાઈલ ફોન છુપાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું.
જેલમાં પ્રતિબંધિત વસ્તુ રાખવા તેમજ જાહેરનામાના ભંગના આરોપસર બંને સામે રાવપુરા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.










