અમદાવાદ ડિવિઝન 9.15 કરોડના ખર્ચે 30 હજાર OHE થાંભલા પર લગાવશે ‘એન્ટી ક્લાઇમ્બિંગ ડિવાઇસ’
પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝને OHE વીજ થાંભલા પર વાંદરાઓ ચઢી જવાથી સર્જાતી શોર્ટસર્કિટ અને ટ્રેન વ્યવહારને અસર કરતી સમસ્યાના નિવારણ માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ડિવિઝન દ્વારા આશરે 30 હજારથી વધુ OHE થાંભલા પર ‘એન્ટી ક્લાઇમ્બિંગ ડિવાઇસ’ અને ‘બર્ડ ડિટરન્ટ ડિસ્ક’ લગાવવામાં આવશે. આ કામગીરી પાછળ અંદાજે રૂ. 9.15 કરોડનો ખર્ચ કરવામાં આવશે.
વાંદરાઓના કારણે વીજ પુરવઠો ખોરવાવાની સમસ્યા
અમદાવાદ ડિવિઝનમાં 1,450 કિમીથી વધુનો રેલવે રૂટ ઈલેક્ટ્રિફાઈડ છે અને તેના પર આશરે 30 હજારથી વધુ OHE થાંભલા આવેલા છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં થાંભલા પર વાંદરાઓ ચઢી જવાની 165થી વધુ ઘટનાઓ નોંધાઈ હોવાનું જણાવાયું છે.
વાંદરાઓને વીજ કરંટ લાગવાથી મૃત્યુ થવાની સાથે OHE વાયરને નુકસાન અને શોર્ટસર્કિટની ઘટનાઓ પણ સર્જાય છે. તેના કારણે વીજ પુરવઠો ખોરવાતા ટ્રેન વ્યવહારને પણ અસર થાય છે અને કેટલાક કિસ્સામાં ટ્રેનોને લાંબા સમય સુધી રોકવી પડે છે.
ગાંધીગ્રામ-બોટાદ રૂટ પર પ્રયોગ સફળ
આ સમસ્યાના ઉકેલ માટે ગાંધીગ્રામ-બોટાદ રેલવે રૂટ પર પ્રાયોગિક ધોરણે 1,050થી વધુ એન્ટી-મંકી ડિવાઇસ લગાવવામાં આવ્યા હતા. રેલવેના જણાવ્યા મુજબ આ પ્રયોગ બાદ OHEને નુકસાન અને વીજ પુરવઠો ખોરવાવાની ઘટનાઓમાં ઘટાડો નોંધાયો છે.
આ પ્રયોગના પરિણામોને ધ્યાનમાં રાખીને હવે ધોળકા, પાલનપુર અને સાબરકાંઠા સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં પણ આ સિસ્ટમનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે.
વાંદરા અને પક્ષીઓ બંનેથી રક્ષણ
‘એન્ટી ક્લાઇમ્બિંગ ડિવાઇસ’ થાંભલા પર એવી રીતે લગાવવામાં આવે છે કે તેની લપસણી સપાટીને કારણે વાંદરાઓ માટે ઉપર ચઢવું મુશ્કેલ બને. બીજી તરફ, ‘બર્ડ ડિટરન્ટ ડિસ્ક’ અને અન્ય ઉપકરણો દ્વારા પક્ષીઓના માળા, ડાળીઓ કે અન્ય સામગ્રીના કારણે OHEમાં શોર્ટસર્કિટ થવાની શક્યતા ઘટાડવામાં આવશે.
આ વ્યવસ્થાથી OHE ફોલ્ટ અને ટ્રિપિંગની ઘટનાઓ ઘટાડવામાં મદદ મળશે. પરિણામે ટ્રેન વ્યવહાર વધુ નિયમિત રાખવાની સાથે વાંદરા અને પક્ષીઓના વીજ કરંટથી થતા મૃત્યુ અટકાવવામાં પણ મદદ મળી શકે છે.










