ખાદ્ય તેલના ભાવને અંકુશમાં લેવા માટે કેન્દ્ર સરકારે આયાત જકાતમાં ઘટાડો કર્યા બાદ તેની અસર હવે સ્થાનિક બજારમાં પણ જોવા મળી રહી છે. રાજકોટના તેલ બજારમાં સતત બીજા દિવસે વિવિધ ખાદ્ય તેલના ભાવમાં ડબ્બે ₹20 સુધીનો ઘટાડો નોંધાયો છે.
રાજકોટમાં સિંગતેલના ડબ્બામાં ₹10નો ઘટાડો થતાં ભાવ ₹2,885થી ₹2,935ની રેન્જમાં રહ્યો હતો. જ્યારે કપાસિયા તેલના ડબ્બામાં ₹20નો ઘટાડો નોંધાતા ભાવ ₹2,665થી ₹2,715 સુધી રહ્યા હતા.
આ ઉપરાંત પામોલીન તેલના ડબ્બામાં ₹15નો ઘટાડો થતાં ભાવ ₹2,330થી ₹2,335ની સપાટીએ પહોંચ્યા હતા.
વેપારીઓના જણાવ્યા મુજબ આયાત જકાતમાં ઘટાડા ઉપરાંત આગામી દિવસોમાં નવી સિઝનનો માલ બજારમાં આવવા લાગશે. જેના કારણે હાલના સંજોગોમાં ટૂંકા ગાળામાં અથવા તહેવારો દરમિયાન ખાદ્ય તેલના ભાવમાં તેજી થવાની શક્યતા ઓછી છે. નવી આવકો વધશે તેમ આગામી દિવસોમાં ભાવમાં વધુ ઘટાડો થવાની શક્યતા પણ વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.










