અમદાવાદમાં ઉત્તરાયણ પહેલાં ચાઇનીઝ દોરી અને તુક્કલના પ્રતિબંધની અમલવારીને લઈને ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્રને કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ ડી.એન. રેની ખંડપીઠે કહ્યું કે માત્ર જાહેરનામું બહાર પાડવાથી નહીં, પરંતુ પ્રતિબંધિત દોરીના ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ સામે અત્યારથી જ જમીની સ્તરે કાર્યવાહી જરૂરી છે.
વર્ષ 2016થી ચાલી રહેલી જાહેરહિતની અરજીની સુનાવણી દરમિયાન અદાલતે નોંધ્યું કે ઉત્તરાયણને લગતી સામગ્રીનું ઉત્પાદન તહેવાર પહેલાંથી જ શરૂ થઈ જાય છે. તેથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું ઉત્પાદન અને બજારમાં પહોંચતું અટકાવવા તંત્રએ અગાઉથી જ કાર્યવાહી કરવી પડશે.
હાઇકોર્ટે ઓનલાઇન પ્લેટફોર્મ પર ચાઇનીઝ દોરીના વેચાણ પર પણ નજર રાખવા સૂચના આપી છે. સાથે જ રાજ્ય અથવા દેશની બહારથી ગેરકાયદેસર રીતે પ્રતિબંધિત દોરીની આવક અટકાવવા સરહદી જિલ્લાઓના પોલીસ અધિકારીઓને પણ જરૂરી કાર્યવાહી કરવા જણાવાયું છે.
ઉત્તરાયણ દરમિયાન નાગરિકોની ફરિયાદો માટે પોલીસ કંટ્રોલ રૂમમાં 24 કલાક કાર્યરત હેલ્પડેસ્ક શરૂ કરવા પણ સૂચના આપવામાં આવી છે. 112 પર મળતી ફરિયાદો નોંધાઈ તાત્કાલિક સંબંધિત પોલીસ સ્ટેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.
અદાલતે અરજદાર પક્ષને પણ નાગરિકોમાં જાગૃતિ ફેલાવવા માટે વિશેષ અભિયાન ચલાવવા સૂચન કર્યું હતું. હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું કે તહેવાર પર પ્રતિબંધ મૂકવાનો પ્રશ્ન નથી, પરંતુ પ્રતિબંધિત દોરી અને તુક્કલ અંગેના નિયમોનું અસરકારક પાલન કરાવવાની જવાબદારી તંત્રની છે.










