સુરેન્દ્રનગરના વગડીયામાં રહેણાંક મકાનમાંથી 8,196 વિસ્ફોટક સ્ટિક ઝડપાઈઃ રૂ.1.75 લાખનો મુદ્દામાલ જપ્ત

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના વગડીયા ગામમાં રહેણાંક મકાનમાંથી મોટી માત્રામાં વિસ્ફોટક પદાર્થનો જથ્થો મળી આવતા પોલીસ તંત્ર દોડતું થયું છે. સુરેન્દ્રનગર SOGની ટીમે ચેકિંગ દરમિયાન 8,196 જેટલી જિલેટીન સ્ટિક, ડિટોનેટર અને વાયર સહિતનો જથ્થો ઝડપી પાડ્યો છે. સમગ્ર મુદ્દામાલની કિંમત આશરે રૂ.1.75 લાખ હોવાનું સામે આવ્યું છે.

SOGની ટીમે વિપુલભાઈ વેલાભાઈ સાનિયાના રહેણાંક મકાનમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન માનવજીવન માટે જોખમી અને આસપાસના રહેણાંક વિસ્તારોને નુકસાન પહોંચાડી શકે તેવો વિસ્ફોટક સામાન મળી આવ્યો હતો. પોલીસે જિલેટીન સ્ટિક ઉપરાંત અલગ-અલગ પ્રકારના ડિટોનેટર અને વાયર પણ કબજે કર્યા હતા.

પોલીસે આ મામલે મૂળી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. જપ્ત કરાયેલો વિસ્ફોટક જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કયા હેતુથી સંગ્રહ કરવામાં આવ્યો હતો તે અંગે તપાસ ચાલી રહી છે.

ખનીજ ખોદકામમાં ઉપયોગ થતો હોવાની આશંકા

પોલીસ તપાસમાં આ વિસ્ફોટક પદાર્થનો ઉપયોગ ગેરકાયદેસર ખનીજ ખોદકામમાં કરવાનો હતો કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. જમીનમાં ખોદકામ દરમિયાન ધડાકા કરવા માટે આવા વિસ્ફોટકોનો ઉપયોગ થતો હોવાની માહિતી સામે આવી છે.

સુરેન્દ્રનગરના DYSP પાર્થ પરમારના જણાવ્યા મુજબ, વિસ્ફોટકનો જથ્થો ક્યાંથી આવ્યો અને તેનો ઉપયોગ કયા હેતુ માટે થવાનો હતો તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. ઝડપાયેલા આરોપીના રિમાન્ડ પણ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે.

મોરબી-વાંકાનેર તરફથી સપ્લાયની પણ તપાસ

પોલીસ હવે વિસ્ફોટક જથ્થાના સપ્લાય નેટવર્ક અંગે પણ તપાસ કરી રહી છે. મોરબી, વાંકાનેર અને રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાંથી આ પ્રકારનો જથ્થો સુરેન્દ્રનગરમાં પહોંચ્યો હોવાના આક્ષેપો વચ્ચે પોલીસ સપ્લાય ચેઇન સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.

મૂળી પોલીસ દ્વારા જપ્ત કરાયેલા વિસ્ફોટક સામાન અને તેને ઓપરેટ કરવા માટેની સિસ્ટમ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સમગ્ર મામલે અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે અંગે પણ તપાસ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai